જેલ વહીવટી તંત્ર દ્વારા જેલમાં એવું વાતાવરણ બનાવવું જોઈએ કે, અપરાધી સજા કાપ્યા બાદ અપરાધી ના રહે : રાજ્યપાલ
રાજ્યપાલ એ આ પ્રસંગે ઓપન જેલના વિચારને મહત્વપૂર્ણ ગણાવી કેદીઓને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા પણ અનુરોધ કર્યો હતો. જેથી તેઓ દેશના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે.
છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટમાં
2022ના સમાપન પ્રસંગે ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા રાજ્યપાલે કહ્યું હતું કે, કેદીઓ માટે જેલ ખરા અર્થમાં સુધારાગૃહ બનવી જોઈએ. રાજ્યપાલએ આ પ્રસંગે માનવીય અભિગમ સાથે જેલ સુધારણા પર ભાર મૂક્યો હતો.
ગુજરાત જેલ પ્રશાસન અને પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યુરો, નવી દિલ્હી દ્વારા ગુજરાતના યજમાન પદે યોજાયેલી છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022ના સમાપન સમારોહમાં રાજ્યપાલ વિજેતા ટીમને પુરસ્કાર, ટ્રોફી આપી શુભકામનાઓ પાઠવી હતી.
રાજયપાલ એ જણાવ્યું હતું કે, જેલ વહીવટી તંત્ર દ્વારા જેલમાં એવું વાતાવરણ નિર્માણ પામે કે અપરાધી સજા કાપ્યા બાદ અપરાધી ન રહે.
રાજયપાલએ જણાવ્યું હતું કે, દેશમાં જેલ સુધારણા માટે અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે. તેમણે કેદીઓમાં જેલકાળ દરમિયાન કૌશલ્ય વિકાસ પર જોર આપતા જણાવ્યું હતું કે, કેદીઓમાં કૌશલ્ય નિર્માણ કરવાથી સજા ભોગવ્યા બાદ કેદીઓ રોજગારી મેળવી શકશે એટલું જ નહીં, તેમને સરળતાથી સામાજિક સ્વીકૃતિ પણ મળી શકશે.
રાજ્યપાલ એ આ પ્રસંગે ઓપન જેલના વિચારને મહત્વપૂર્ણ ગણાવી કેદીઓને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા પણ અનુરોધ કર્યો હતો. જેથી તેઓ દેશના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે. રાજ્યપાલ એ કેદીઓના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની જાળવણી પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો દ્વારા સકારાત્મક વિચારોથી કેદીઓને શ્રેષ્ઠ જીવન પ્રત્યે પ્રેરિત કરવા જોઈએ.
રાજ્યપાલ એ બે વખત ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટના સફળ આયોજન બદલ ગુજરાત સરકાર અને ગુજરાત જેલ પ્રશાસનને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સફળ ટીમ અને ખેલાડીઓના ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ અવસરે જેલ અને સુધારાત્મક વહીવટના અધિક મહાનિર્દેશક કે.એલ.એન રાવે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભાઈચારાની ભાવના, રાજ્યોની કાર્યપ્રણાલી અને કાર્યસંસ્કૃતિનો પરસ્પર પરિચય તેમજ એકતાની ભાવના મજબૂત થાય તે આ મીટનો હેતુ હતો જે સાર્થક થયો છે. ત્રણ દિવસ દરમિયાન અહીં 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. બીજી વખત ગુજરાતને ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટની યજમાની આપવા બદલ તેમણે આભાર સાથે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.