Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“જશ્ને આમદે રસુલ” એટલે સૌથી મોટી ઇદોની ઇદ “ઈદ-એ-મિલાદુન્નબી” (સલલ્લાહો અલયહી વસલ્લમ)

અબરાર એહમદ અલવી

“ઇદે મીલાદ” એટલે પૈગમ્બર મુહમ્મદ મુસ્તુફા (સલલ્લાહો અલયહી વસલ્લમ)નો જન્મ દિવસ. “ઇદે મીલાદ” એટલે સૌથી મોટી ઇદોની ઇદ. “ઇદે મીલાદ” સૌથી મોટી ઇદ હોવાની દલીલ એ છે કે, અલ્લાહ તઆલા ફરમાવે છે કે, “એ મહેબુબ જો આપને પેદા ના ફરમાવતો તો કશું પણ ના પેદા ફરમાવતો”. એટલે હઝરત મહોમ્મદ મુસ્તુફા (સલલ્લાહો અલયહી વસલ્લમ)ને અલ્લાહ તઆલાએ પોતાના નુરથી પેદા ફરમાવ્યાં છે. રસુલલ્લાહના સદકામાં આ દુનિયા બની છે. એટલે “ઇદે મીલાદ” ન હોત તો અન્ય કોઇપણ તહેવાર ના હોત કોઇપણ ઇદ ના હોત આમ “ઇદે મીલાદ” જ સૌથી મોટી ઇદોની ઇદ છે.

ગુરૂવારે સમગ્ર દેશમાં “ઈદ-એ-મિલાદુન્નબી” ઉજવાશે. જે ઈસ્લામમાં ઉજવવામાં આવતા તહેવારોમાં એક પ્રમુખ તહેવાર છે. મિલાદ શબ્દને અરબીમાં જન્મ કહેવામાં આવે છે. આવી જ રીતે મિલાદ-ઉન નબીનો મતલબ થાય છે હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો જન્મ દિવસ. આ તહેવાર દરેક વર્ષે ૧ર રબીઉલ અવ્વલના રોજ બનાવવામાં આવે છે. ઈસ્લામ ધર્મને માનવા વાળાઓ “ઈદ-એ-મિલાદુન્નબી”ને સૌથી મોટો તહેવાર માને છે. આ દિવસ મુસ્લિમ સમાજ માટે ખુબ જ મહત્વપુર્ણ છે.

રસુલલ્લાહ (સલલ્લાહો અલયહી વસલ્લમ) વિષે લખવામાં આવે તો ઝીંદગીઓ ખુટી જાય કલમોની શાહી સુખાઇ જાય પરંતુ આપનું વર્ણન પૂર્ણ ના થાય. આપની સીરત અને આપની જીવન શૈલી સમગ્ર માનવજાત માટે મીશાલ છે. મુહમ્મદ (સલલ્લાહો અલયહી વસલ્લમ) ઇસ્લામ ધર્મના આખરી પૈગમ્બર છે. હજરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો જન્મ ૧૨ રબીઉલ અવ્વલ સોમવાર, ૨૨ એપ્રિલ ઇ.સ. ૫૭૧માં અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો. આપ હજુ માતાના શીકમે પાક (પેટ)માં જ હતા ત્યારે આપના પિતા હઝરત અબ્દુલ્લાહનું અવસાન થઇ ગયું. ત્યાર પછી તેઓ દાદા અબ્દુલ મુત્તલિબની છત્ર છાયા હેઠળ રહ્યા. આઠ વર્ષની વયે તેમના દાદાનું પણ અવસાન થયું. ત્યાર પછી તેઓ કાકા અબુ તાલિબની છત્રછાયા હેઠળ રહ્યા. ૨૫ વર્ષની ઉંમર થતાં તેમણે બીબી ખદીજા સાથે લગ્ન કર્યાં. ચાલીસ વરસના થયા ત્યારે આપને નુબુવત મળી અને આપ (સલલ્લાહો અલયહી વસલ્લમ)એ લોકો સમક્ષ પોતે (પયગંબર) હોવાનો દાવો કર્યો અને ત્યારથી ઇસ્લામમાં તેઓ ‘પયગંબર મુહમ્મદ (સલલ્લાહો અલયહી વસલ્લમ)’ તરીકે ઓળખાયા. મક્કામાં તેઓએ ધર્મની તબ્લિગ શરુ કરી. ધીરે ધીરે લોકો ઇસ્લામ સ્વિકારવા લાગ્યા. પરન્તુ એ સાથે જ કુરેશના કેટલાક લોકોએ એમનો વિરોધ શરૂ કર્યો. કુરેશના લોકોના જુલ્મથી બચવા મુહમ્મદ (સલલ્લાહો અલયહી વસલ્લમ)એ મુસલમાનોને હિજરત કરવા જણાવ્યું. જુલાઇ ઇ.સ.૬૨૨મા આપ (સલલ્લાહો અલયહી વસલ્લમ) એ પણ યશરબ તરીકે ઓળખાતા મદીના શહેરમા હિજરત કરી. અહીથી મુસલમાનોના હિજરી કેલેન્ડરનો પ્રારંભ થાય છે.

અરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે “ખૂબ જ પ્રશન્સા પામેલ”. કુરાન શરિફમાં આ શબ્દ ૪ વાર આવ્યો છે. મુહમ્મદ (સલલ્લાહો અલયહી વસલ્લમ) સાહેબનુ એક નામ “એહમદ” પણ છે, જેનો ઉલ્લેખ કુરઆનમાં ૧ વાર આવ્યો છે. તેમણે લોકોને એક અલ્લાહની ઇબાદત કરવાનુ આહ્વાન આપ્યું. મુસલમાનોને નમાઝ પઢવાનુ જણાવ્યું. આ ઉપરાંત રોઝા રાખવા, દાન આપવુ અને માલદાર હોય તો હજ પઢવાનું જણાવ્યુ. આપ (સલલ્લાહો અલયહી વસલ્લમ)એ ૬3 વર્ષની વયે આ ફાની દુન્યાથી પરદો ફરમાવ્યો.

પૈગમ્બર મહોમ્મદ મુસ્તુફા (સલલ્લાહો અલયહી વસલ્લમ)એ આપેલા સંદેશ

  • *રસુલલ્લાહ (સલલ્લાહો અલયહી વસલ્લમ)એ ફમાવ્યું તમને ઇમાન મળ્યો મારા સદકામાં મળ્યો, તમને કુર્આન મળ્યો મારા સદકામાં મળ્યો હું આનો કોઇ બદલો નથી માંગતો તમારી પાસેથી… માંગુ છું તો, મારી આલ એટલે મારી ઔલાદની મોહબ્બત માંગુ છે.
    • * હું લોકો માટે રહેમત (કૃપા) બનાવીને મોકલવામાં આવ્યો છું. તમે લોકો માટે રાહતો ઉભી કરો, મુશ્કેલીઓ નહીં.
    • * માતા-પિતાની સેવા કરો. તેમની આગળ ઊંચા અવાજે વાત ન કરો.
    • * તમે સૌ એક જ માતા-પિતાના સંતાન છો. લોકો વચ્ચે રંગ, જ્ઞાતિ, ભાષા કે પ્રાદેશિકતાના નામે ભેદભાવ ઊભા કરવા તે ઘોર અન્યાય છે.
    • * સ્ત્રીઓ, ગુલામો અને અનાથ બાળકો ઉપર સવિશેષ દયા કરો.
    • * જે માણસ પોતાના પુત્ર-પુત્રીઓ વચ્ચે ભેદભાવ ન કરે અને પુત્રીઓનું સારી રીતે પાલન-પોષણ કરે અને તેમના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરે તે સ્વર્ગમાં જશે.
    • * જે વડીલોનો આદર અને પોતાનાથી નાની ઉમરનાને પ્રેમ નથી કરતો તે અમારામાંથી નથી.
    • * તમારા પૈસામાં તમારા સંબંધીઓ, ગરીબો અને અનાથ બાળકોનો પણ હક્ક છે. તેમના હક તેમને પહોંચાડો.
    • * ચીજ-વસ્તુઓમાં ભેળસેળ ન કરો. તોલવામાં ઓછું ન આપો. વેપારમાં છેતરપિંડી ન કરો. જે છેતરપિંડી કરે છે તે અમારામાંનો નથી.
    • * બજાર ભાવ ઊંચા લાવવા વસ્તુઓની સંગ્રહખોરી ન કરો. આવું કરનારા કઠોર સજાને પાત્ર છે.
    • * જુઠ્ઠાણું, નિંદા અને દોષરોપણથી બચો. લોકોને ખોટા નામે ન બોલાવો.
    • * અશ્લીલતા અને નિર્લજ્જતાની નજીક ન જાઓ, પછી તે છુપી હોય કે, જાહેર.
    • * અન્યાય વિરુધ્ધ ઝઝૂમનાર ઇશ્વરને પ્રિય હોય છે.
    • * દારૂ, જુગાર, સટ્ટો હરામ છે. તેનાથી દૂર રહો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *