જગન્નાથજીના ત્રણેય રથનું તેમજ મંદિરના મહંતશ્રીનું ફૂલહારથી સ્વાગત કરીને શાંતિના દૂત કબુતર ઉડાડીને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોમી એખલાસનો મેસેજ પાસ કર્યો
મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા જિંદાબાદના નારા સાથે રથયાત્રાને વધાવી લીધી હતી.
અમદાવાદ,તા.૦૧
145મી જગન્નાથજીની રથયાત્રામાં શાહપુર તેમજ દરિયાપુર વિસ્તારની અંદર મુસ્લિમ સમુદાયના તમામ નાગરિકોએ રથયાત્રાને સંપૂર્ણ સહકાર આપી મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શાહપુરમાંથી જયારે ભગવાન જગન્નાથજીના ત્રણેય રથ પસાર થયા ત્યારે મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા જિંદાબાદના નારા સાથે રથયાત્રાને વધાવી લીધી હતી.
દરિયાપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ત્રણેય રથ તેમજ મંદિરના મહંતશ્રીનું ફૂલહારથી સ્વાગત કરીને શાંતિના દૂત કબુતર ઉડાડીને કોમી એખલાસનો મેસેજ પાસ કર્યો હતો.
શાહપુર વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ તે દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે નિરીક્ષણ કરવા આવ્યા હતા આ સમયે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. આજના શુભ પ્રસંગે પોલીસ કમિશનર તેમજ તમામ પોલીસ અધિકારીઓએ પણ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તેમજ તમામ મુસ્લિમ બિરાદરોનો આભાર વ્યક્ત કર્યો હતો.