ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના કલોલના છત્રાલમાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાં નિરમા કંપનીના સ્ટાફ કવાટર્સમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી રહેતા પ્રેમી અને પ્રેમિકા વચ્ચે તકરાર થયા બાદ પ્રેમીએ ઉશ્કેરાઈ જઈ તેણીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. જે સંદર્ભે ચોકીદારે આ મહિલાના પરિવારજનોને જાણ કર્યા બાદ કલોલ તાલુકા પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો અને તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના ઉદેપુર ખાતે કેવલ ગામમાં રહેતા ગૌતમભાઈ રામજીભાઈ અસારીની સૌથી મોટી પુત્રી મરતીબેનના લગ્ન ર૦ વર્ષ અગાઉ ઉદેપુરના ધનરાજ મીણા સાથે થયા હતા. જે લગ્ન જીવનથી મરતીબેનને ચાર સંતાનો પણ છે. શારીરિક રીતે અપંગ મરતીબેન રાજસ્થાનથી કલોલની છત્રાલ જીઆઈડીસીની નિરમા કંપનીમાં નોકરી માટે આવી ગઈ હતી અને ત્યાં ઉંડોર પાલ ગામ ભિલોડના વતની ઈન્દ્રરાજ કાવાજી પાંડોર સાથે કંપનીના સ્ટાફ કવાટર્સમાં રહેતી હતી. ઈન્દ્રરાજ અને મરતીબેન વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બન્ને વચ્ચે અવારનવાર નાની મોટી તકરારો પણ થતી રહેતી હતી. જાે કે ગત શુક્રવારની રાત્રે જમવા બાબતે મરતીબેન અને ઈન્દ્રરાજ વચ્ચે તકરાર થઈ હતી. જેને લઈ ઈન્દ્રરાજે ઉશ્કેરાઈ જઈ મરતીબેનને માર મારી ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ કંપનીના સિકયોરીટી ગાર્ડને આ સંદર્ભે જાણ પણ કરી હતી. જેથી સિકયોરીટી ગાર્ડે મરતીબેનના ભાઈ ભરત અસારીને બનાવથી વાકેફ કરતાં તેઓ પણ છત્રાલ આવી પહોંચ્યા હતા જયાં કલોલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ભરતભાઈ અસારીની ફરીયાદના આધારે ઈન્દ્રરાજ પાંડોર સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને છત્રાલમાંથી આરોપીને ઝડપી લીધો હતો. રસોઈ બાબતે થયેલી તકરાર હત્યા સુધી પહોંચી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.