Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ચોરોની એક ભૂલ તેમના પર જ પડી ભારે, પોલીસે માત્ર ૬ દિવસમાં આરોપીઓને પકડી લીધા

આરોપીના મોબાઈલ સ્થળ પરથી મળી આવતાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આરોપીઓને પકડી લીધા

અમદાવાદ,
અડાલજ પોલીસ દ્રારા નર્મદા કેનાલ રોડ પર રિક્ષાચાલકને છરી વડે હુમલો કરી લૂંટ કરનાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બંને શખ્સોએ ૧૯ સપ્ટેમ્બરનાં રોજ સાંજના સાત વાગે અડાલજ ઝુંડાલ કેનાલના સર્વિસ રોડ પર રિક્ષાચાલકને ઓવરટેક કરીને રોક્યો હતો. જે બાદ ધોકો અને ચપ્પા વડે હુમલો કરીને ૫૦ હજાર રોકડા તથા મોબાઈલની લુંટ કરી હતી.

આ મામલે અડાલજ પોલીસે માત્ર ૬ દિવસમાં આરોપીના મોબાઈલ સ્થળ પરથી મળી આવતાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આરોપીઓને પકડી લીધા હતા. જેમાં એકનું નામ દિપેશ અગ્રવાલ તથા બીજાનું નામ રાહુલ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ કેનાલ ખાતે પેટ્રોલિંગ સમયે અંબાપુર ગામની સીમમાંથી નંબર પ્લેટ વગરની રિક્ષા અને ગુનામાં ઉપયોગ લેવાયેલાં ચપ્પા સાથે મળી આવ્યા હતા.

આરોપીઓ રાતના સમયે તેમ જ દિવસ દરમિયાન કેનાલ તેમ જ અન્ય જગ્યાએ રસ્તાઓમાં એકલ દોકલ આવતાં જતાં રાહદારીઓને છરી બતાવી માર મારી લૂંટ કરતાં હતા. આ ગુના સિવાય બંને આરોપીઓમાંના દિપેશ અગ્રવાલ વિરુધ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશન, કૃષ્ણનગર પોલીસ સ્ટેશન, બાપુનગર પોલીસ સ્ટેશન, રામોલ પોલીસ સ્ટેશન સહિત ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલાં છે. જયારે આરોપી રાહુલ ઠાકોર વિરુધ્ધ રામોલમાં ૩ ગુના, અમદાવાદના ગ્રામ્યના વિવેકાંનદ પોલીસ સ્ટેશનમાં ૧ ગુનો, નિકોલ પોલીસ સ્ટેશન જ્યારે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલાં છે.

પોલીસને ઘટના સ્થળ પરથી જે મોબાઈલ ફોન મળી આવ્યો હતો તેમાં આરોપીઓ ખુલ્લેઆમ હાથમાં છરી લઈને રિક્ષામાં ફરતાં હોવાનો વિડીયો મળી આવ્યો સોશિયલ મીડિયા પર આ વીડિયોને આધારે તેમની ઓળખ પણ છતી થઈ ગઈ. આરોપીએ મોબાઈલ ફોન ઘટના સ્થળ પર મારપીટમાં ખોવાઈ જવાને કારણે સીમકાર્ડ બંધ કરી દીધું હતું છતાં પોલીસ દ્રારા મોબાઈલ ફોનને ચાલુ કરીને તમામ માહિતી મેળવી લેવામાં આવી હતી. આ ઘટનાના આરોપી રાહુલ ઠાકોર ૨૨ વર્ષનો છે જે અમદાવાદમાં વસ્ત્રાલમાં ઔડાના મકાનમાં રહે છે અને તે મુળ બનાસકાંઠાનો છે. જ્યારે દિપેશ અગ્રવાલ અમદાવાદ ઓઢવ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે અને ઉત્તરપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *