આ ઘટનાએ ફરીથી એકવાર મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે ફોનના ઉપયોગ પર સાવધાની વર્તવી કેટલી જરૂરી છે તેનો અહેસાસ કરાવ્યો છે.
બરેલી,
શું તમે ફોન ચાર્જિંગ કર્યા બાદ તેને આમ જ છોડી દો છો કે પછી ફોન ચાર્જિંગ સમયે તેનો ઉપયોગ કરો છો…તો તમારે સાવધ રહેવાની જરૂર છે. બરેલીમાં આ પ્રકારે ચાર્જિંગમાં રાખેલા ફોનમાં મોટો વિસ્ફોટ થયો અને આ ધડાકામાં ખાટલામાં સૂઈ રહેલી આઠ મહિનાની માસૂમ બાળકી ગંભીર રીતે દાઝી ગઈ. સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું.
ઉત્તર પ્રદેશના બરેલીમાં ચાર્જિંગ દરમિયાન મોબાઈલ ફોનમાં વિસ્ફોટ થતા ખાટલો આગની જ્વાળામાં લપેટાઈ ગયો અને તેના પર સૂઈ રહેલી આઠ મહિનાની બાળકી દાઝી ગઈ. ખાટલાની સ્થિતિ જાેઈને અંદાજાે લગાવી શકાય કે ત્યાંનો મંજર કેટલો ખૌફનાક હશે અને આ બધુ મોબાઈલ ફોનની બેટરી ફાટવાથી થયું. મોબાઈલ ફોનમાં જે સમયે મોટો ધડાકો થયો તે સમયે ૮ મહિનાની માસૂમ બાળકી નેહા ખાટલા પર સૂઈ રહી હતી. પરંતુ ધડાકા બાદ ખાટલો પણ આગની જ્વાળામાં લપેટાઈ ગયો અને બાળકી ગંભીર રીતે દાઝી ગઈ. બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ પણ ત્યાં સારવાર દરમિયાન બાળકીએ દમ તોડી દીધો.
અકસ્માત બાદ પરિવારજનોને તો વિશ્વાસ જ નથી આવી રહ્યો કે તેમની માસૂમ બાળકી હવે આ દુનિયામાં નથી. બાળકીની માતા ઊંડા આઘાતમાં સરી પડી છે. આ ઘટનાએ ફરીથી એકવાર મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે ફોનના ઉપયોગ પર સાવધાની વર્તવી કેટલી જરૂરી છે તેનો અહેસાસ કરાવ્યો છે. આથી તમે પણ જાે ફોનને ચાર્જમાં મૂકીને પછી લાંબા સમય માટે તેને ચાર્જમાં જ રહેવા દેતા હોવ કે પછી ચાર્જમાં લગાવેલો ફોન ઉપયોગમાં લેતા હોવ તો સાવધાની વર્તવાની જરૂર છે.