કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં આંકડા રજૂ કર્યા, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૨૫૫૪ સગીરે આત્મહત્યા કરી
અમદાવાદ,તા.૨૬
ગુજરાતમાં ૧૮ વર્ષથી ઓછી વયના કિશોરોમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યુ છે. ગૃહમંત્રાલયે રાજ્યસભામાં રજૂ કરેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૨૫૫૪ સગીરોએ આત્મહત્યા કરી છે. આ આંકડા દર્શાવે છે કે, દર વર્ષે ગુજરાતમાં સરેરાશ ૪૫૦ સગીર આત્મહત્યા કરે છે.
ગૃહમંત્રાલયે આપેલી માહિતી મુજબ છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો ૧૮ વર્ષથી ઓછી વયના કિશોરોમાં આત્મહત્યા પાછળ મોટા ભાગે માનસિક તણાવ મુખ્ય જવાબદાર પરિબળ છે. આ ઉપરાંત પરીક્ષામાં નિષ્ફળ જવાનો ડર, ભણવાનુ દબાણ, સારા માર્ક્સ લાવવાનુ દબાણ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, માતાપિતા સાથે ઘટતો સંવાદ, પ્રેમ સંબંધમાં નિષ્ફળતા, સહનશક્તિનો અભાવ, માતાપિતા સાથે અણબનાવ, જનરેશન ગેપ સહિતના પરિબળો જવાબદાર છે. જેમા ક્યાંકને ક્યાંક મોબાઈલને કારણે પણ બાળકો અને માતાપિતા સાથે સંવાદ ઘટ્યો છે. જેમા માતાપિતા બાળકોને સમજી શકવામાં તેમનુ કાઉન્સેલિંગ કરી શકતા નથી અને કિશોરાવસ્થામાં રહેલુ બાળક પોતાની જાતને અસલામત, એકલુ-અટુલુ સમજે છે અને નિરાશાના ગર્તામાં ધકેલાતુ જાય છે.
પહેલાની તુલનાએ બાળકોમાં સહનશક્તિનું પ્રમાણ પણ ઘટ્યુ છે જેના કારણે કોઈપણ બાબતને લઈને જલ્દી લાગી આવે છે અને આત્મહત્યા કરવા પ્રેરાય છે. શાળામાં ભણતા બાળકો પરીક્ષામાં નિષ્ફળ જવાના ડરથી આત્મહત્યા કરી રહ્યા છે. પરીક્ષાનો હાઉ વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી ગયો છે. પરીક્ષા અગાઉ કાઉન્સેલિંગ કરાય છે. છતાં કિશોરોને કારકિર્દીની ચિંતા સતાવે છે. આ કારણોસર પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા જ યુવાઓ આત્મહત્યા કરી લેતા હોય છે. આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ભણતરનું ભારણ યુવાઓ સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી. આ ઉપરાંત વાલીઓ પણ સતત બાળકો પર સારા માર્ક્સ લાવવા દબાણ કરી રહ્યા છે. જેના પગલે યુવાઓ સતત માનસિક દબાણ હેઠળ હોય છે.
નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના મતે IIM સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધ્યુ છે. કારકિર્દીની ચિંતાને કારણે યુવાઓ આત્મહત્યા કરી રહ્યા છે. પ્રેમ સંબંધમાં નિષ્ફળતાને યુવાઓમાં આત્મહત્યાનું પરિબળ છે. સાથે સાથે બેરોજગારીને કારણે પણ યુવાઓમાં નિરાશા આવે છે. અનેક કિસ્સામાં નાની વયે બાળકોના માથે કુટુંબની જવાબદારી આવી પડે છે. ત્યારે બેરોજગારીને કારણે પણ યુવાઓ આત્મહત્યા કરે છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ ગુજરાતમાં વર્ષ ૨૦૧૭થી માંડીને વર્ષ ૨૦૨૧ સુધી ૧૮થી ઓછી વયના ૨૫૫૪ યુવાઓએ આત્મહત્યા કરી છે. ગુજરાતની સરખામણીમાં ગોવા, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ અને હરિયાણા જેવા પ્રદેશમાં યુવાઓની આત્મહત્યાનું પ્રમાણ સરવાળે ઓછુ છે. જાે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ગુજરાત કરતા વધુ યુવાનો આત્મહત્યા કરે છે.