અમદાવાદ,
ગુજરાતમાં ૨૦૧૭માં ૧.૩૮ લાખ, ૨૦૧૮માં ૧.૫૪ લાખ, ૨૦૧૯માં ૧.૫૯ લાખ અને ૨૦૨૦માં ૧.૨૦ લાખ ટીબીના દર્દીઓ નોંધાયા છે. ગંભીર પ્રકારના ટીબી માટે બેડાક્વિલિન અને ડેલામિનાડ નામની દવાની સારવાર માટે આખા રાજ્યને આવરી લેવામાં આવ્યું છે. ગુજરાતમાં બેડાક્વિલિન નામની નવી દવાની ઇન્જેક્શન વગરની સારવાર શરૂ કરવામાં આવી છે. આ સારવાર ગંભીર પ્રકારના ટીબીના દર્દીઓ માટે કારગત સાબિત થઈ છે. આ ટૂંકા ગાળાની ઇન્જેક્શન વગરની સારવાર છે. ૨૦૨૫ સુધીમાં ટીબી નાબૂદ કરવાના ભારત સરકારના લક્ષ્યને પૂર્ણ કરવા રાજ્ય ક્ષય તાલીમ અને નિદર્શન કેન્દ્ર દ્વારા વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ડિજિટલ સાધનો અને આધુનિક સારવારની પદ્ધતિ દ્વારા ટીબીનું નિદાન અને સારવાર કરવામાં આવી રહી છે. રાજ્યની તમામ મેડિકલ કોલેજાેને ટીબીના કાર્યક્રમમાં સાંકળવામાં આવી છે. ન્યૂટ્રિશન સેન્ટરમાં દાખલ તમામ બાળકોનું ટીબીનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. ટીબીની સારવાર કરતા ખાનગી ક્ષેત્રના ૮૦ ટકા ડોક્ટરોને સરકારના આ કાર્યક્રમમાં જાેડવામાં આવ્યા છે. પ્રાઇવેટ કેમિસ્ટને પણ ટીબી કાર્યક્રમમાં સાંકળવામાં આવ્યા છે. ખાનગી ક્ષેત્રના ૮૦થી ૯૦ ટકા ડોક્ટરોને સરકારના ટીબી નિવારણ કાર્યક્રમ સાથે જાેડવામાં આવ્યા છે.
લોકોમાં ટીબીની નિદાન અને સારવાર માટે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને પ્રિવેન્ટની કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. MDR જેવી ઝેરી ટીબીની તપાસ માટેની નેશનલ લેબોરેટરી ગુજરાતમાં અમદાવાદમાં છે. કોરોનાની બીજી લહેર બાદ રાજ્યમાં હવે ટીબી રોગના કેસોમાં ભારે વધારો થયો છે. રાજ્યમાં ટીબીના દરરોજ ૪૫૦થી ૫૦૦ કેસ નોંધાય છે. કોરોના સમયે દર અઠવાડિયે ટીબીના ૧૫૦૦ કેસ આવતા હતા, જે હવે વધીને ૨૫૦૦ કેસ આવે છે. ગત વર્ષે ગુજરાતમાં ટીબીના ૧.૨૦ લાખ કેસ નોંધાયા હતા, જ્યારે ૫૮૩૮ લોકોનું ટીબીને કારણે મોત થયાં હતાં. ગત વર્ષે ૮૦૬૫૦ ટીબીના દર્દીઓની ડ્રગ રેજિસ્ટન્ટ તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૮૨૦ દર્દીને ડ્રગ રેજિસ્ટન્ટ એટલે કે ગંભીર પ્રકારના ટીબીના કેસો સામે આવ્યા હતા. ટીબી નિવારણ વિભાગ દ્વારા ટીબીની તપાસ માટે ગુજરાતમાં અત્યાધુનિક સાધનો ધરાવતી લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે. ટીબીના નિદાન માટે ગુજરાતમાં ૨૦૭૧ ડેઝિગ્નેટેડ માઈક્રોસ્કોપિક સેન્ટર તૈયાર કરવામાં આવ્યાં છે. ગંભીર પ્રકારના ટીબીના નિદાન માટે ૩ કલ્ચર લેબોરેટરી, ૭૧ સીબીનાટ લેબોરેટરી અને ૭૭ ટ્રૂનાટ લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે. શહેરી અને ગ્રામ્ય કક્ષાએ ૩૮૩૮૦ ડોટ સેન્ટરો બનાવવામાં આવ્યાં છે, જ્યારે ગંભીર પ્રકારના ડ્રગ રેજિસ્ટન્ટ ટીબીની સારવાર માટે ૫ નોડલ ડીઆર ટીબી સેન્ટર કાર્યરત છે.
રાજ્ય ક્ષય તાલીમ અને નિદર્શન કેન્દ્રના જાેઈન્ટ ડાયરેક્ટર સતીશ મકવાણાએ જણાવ્યું હતું કે ટીબીને કારણે ૧૦થી ૧૫ ટકા દર્દીઓના માનસિક આરોગ્ય પર અસર થાય છે. વિશ્વના ચોથા ભાગના ટીબીના દર્દીઓ ભારતમાં છે. ભારતમાં દર વર્ષે ૨૬ લાખ ટીબીના નવા દર્દીઓ ઉમેરાય છે. ગુજરાતમાં દર વર્ષે ૧.૫ લાખ ટીબીના નવા દર્દીઓ નોંધાય છે. ત્યારે ૨૦૨૫ સુધીમાં ટીબી નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એ દિશામાં રાજ્યનો ટીબી વિભાગ કાર્યરત થયો છે અને એના નિવારણ માટે અનેક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ટીબીના ૩૦થી ૩૫ ટકા દર્દીઓ પ્રાઇવેટ સેક્ટરમાં ટ્રીટમેન્ટ લેશે. ત્યારે પ્રાઇવેટ સેક્ટરને પણ સરકારના ટીબીમુક્ત અભિયાનમાં જાેડવામાં આવ્યું છે. ગુજરાતમાં ૧૪૦૦થી વધારે પ્રાઇવેટ ડોકટરો ટીબીની સારવાર કરે છે. જેમની નોંધણી સરકારના નિક્ષય સૉફ્ટવેરમાં કરવામાં આવી છે. પ્રાઇવેટ ડોક્ટરો દ્વારા સારવાર કરી રહેલા ટીબીના દર્દીઓની નોંધણી કરવામાં આવે છે. પ્રાઇવેટ હોસ્પિટલ અને ક્લિનિકમાં સારવાર કરતા ૪૩૩૭૨ દર્દીની નોંધણી ૨૦૨૦માં કરવામાં આવી છે.