Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાતમાં કોંગ્રેસ 27 વર્ષના વનવાસ માટે મધુસુદન મિસ્ત્રી જવાબદાર : કોંગ્રેસના પીઢ કાર્યકરે કર્યો આક્ષેપ, પક્ષે તાબડતોડ સસ્પેન્ડ કર્યો

કોંગ્રેસના નેતાઓની નેતાગીરી અને મનમાની સહિત અનેક ગંભીર આક્ષેપો વચ્ચે બડાપો, રાષ્ટ્રીય નેતાને પણ આડેહાથ લીધા…

અરવલ્લી જીલ્લાના પીઢ કાર્યકર દશરથ વણકરે AICCના સભ્ય મધુસુદન મિસ્ત્રી અને જીલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ સામે અનેક આક્ષેપ કર્યા

કોંગ્રેસે SC મોરચાના પ્રમુખમાં નિમણુંક ન કરતા દશરથ વણકરે ખોટા આક્ષેપ કરી બદનામી કરતા સસ્પેન્ડ કર્યા

કોંગ્રેસ માટે જાત ઘસી નાખનાર કાર્યકરના આક્ષેપથી જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો

અરવલ્લી જીલ્લા કોંગ્રેસમાં જૂથવાદ અને સગાવાદ ચાલતો હોવાની સાથે અંગત સ્વાર્થ માટે પક્ષના નિયમોને કોરાણે મુકવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું

ગુજરાતમાં કોંગ્રેસ સતત તૂટી રહી છે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો તેમના ટેકેદારો સાથે કેસરિયો ધારણ કરી ચુક્યા છે તો કેટલાક કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ચુક્યા છે. કોંગ્રેસની ટોચની નેતાગીરી પક્ષના પાયાના કાર્યકરોની સતત અવગણના કરતી હોવાની સતત બૂમો ઉઠી રહી છે ત્યારે અરવલ્લી જીલ્લાના કોંગ્રેસના પીઢ અગ્રણી કાર્યકર દશરથ વણકરે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સદસ્ય અને પૂર્વ સાબરકાંઠા સાંસદ મધુસુદન મિસ્ત્રી સામે સનસનાટી ભર્યા આક્ષેપ કરી ગુજરાતમાં કોંગ્રેસ 27 વર્ષથી સત્તા વિહોણી હોવાનું એક તેમની દખલગીરી અને કામગીરી હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

દશરથ વણકરે વધુમાં જણાવ્યું હતું કે અરવલ્લી જીલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ અને મધુસુદન મિસ્ત્રી તેમની મનમાની ચલાવી રહ્યા છે અને તેમની જોહુકમી ચલાવતા હોવાથી આગામી વિધાનસભામાં કોંગ્રેસને ભારે ફટકો પડી શકે છે અને તેમને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે આગામી વિધાનસભામાં જીતીને બતાવે તો ખરા…?? તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે ઉદ્ધતાઈ પૂર્વક આક્ષેપ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો હતો


કોંગ્રેસના પીઢ કાર્યકર દશરથ વણકરે કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે સનસનાટી ભર્યા આક્ષેપ કરતા જીલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શાંતિલાલ વણકર અને કોંગ્રેસના પદાધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જીલ્લા એસસી સેલના પ્રમુખ તરીકે તેમની નિમણુંક ન થતા દશરથ વણકર આક્ષેપ કરી રહ્યા છે જે તદ્દન પાયાવિહોણા છે જેથી પક્ષને નુકશાન પહોંચ્યું હોવાથી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સૂચનાના આધારે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *