પથ્થરમારો કરવાના આરોપસર કેટલાક યુવાનોને તાલિબાની સ્ટાઈલમાં થાંભલા પર ઉભા કરી જાહેરમાં માર માર્યો હતો.
કોર્ટે તેમના બચાવનો જવાબ ૧૧ ઓક્ટોબર સુધીમાં માંગ્યો
ખેડા,તા.૦૪
ગુજરાતના ખેડામાં ગયા વર્ષે ગરબા કાર્યક્રમમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ કેસમાં હાઈકોર્ટે ચાર પોલીસકર્મીઓ સામે આરોપો ઘડ્યા છે. કોર્ટે તેમના બચાવનો જવાબ ૧૧ ઓક્ટોબર સુધીમાં માંગ્યો છે.
ગુજરાતના ખેડામાં ગયા વર્ષે નવરાત્રિના કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કારણે પોલીસકર્મીઓની મુશ્કેલીઓ વધી છે. જાહેરમાં યુવકોને થાંભલા સાથે ઊભા રાખીને માર મારનારા પોલીસકર્મીઓ સામે હાઈકોર્ટે આરોપો ઘડ્યા છે. ગત વર્ષે નવરાત્રિની સિઝનમાં ખેડા પોલીસે નવરાત્રિના કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા અને પથ્થરમારો કરવાના આરોપસર કેટલાક યુવાનોને તાલિબાની સ્ટાઈલમાં થાંભલા પર ઉભા કરી જાહેરમાં માર માર્યો હતો.
ખેડા પોલીસ દ્વારા માર મારવાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ પછી તત્કાલિન ડીજીપી આશિષ ભાટિયાએ તપાસના આદેશ આપ્યા હતા. આ સાથે આ મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આ મામલે કડકાઈ દાખવતા ખેડા પોલીસના એ.વી. પરમાર, ડી.બી. કુમાવત, કનકસિંહ લક્ષ્મણસિંહ અને રાજુ રમેશભાઈ ડાભી સામે મુસ્લિમ યુવકોને જાહેરમાં માર મારવા બદલ આરોપો ઘડ્યા છે. આ પોલીસકર્મીઓ પર પાંચ મુસ્લિમ યુવકોને થાંભલા સાથે પીટીને જાહેરમાં મારવાનો આરોપ હતો. દરેક સામે આરોપ ઘડતી વખતે કોર્ટે તેમને ૧૧ ઓક્ટોબર સુધીમાં તેમના બચાવમાં એફિડેવિટ દાખલ કરવા કહ્યું છે. અગાઉની સુનાવણીમાં ખેડા પોલીસે ગુજરાત હાઈકોર્ટને કહ્યું હતું કે, શાંતિ જાળવવા માટે આવું કરવું જરૂરી છે. આ કોઈ ગુનાહિત ઈરાદાથી કરવામાં આવ્યું ન હતું, જાે કે, હવે કોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને ચાર પોલીસકર્મીઓ સામે આરોપો ઘડ્યા છે.
ગયા વર્ષે ઑક્ટોબર ૨૦૨૨માં, નવરાત્રિ દરમિયાન, ખેડા જિલ્લાના ઉંધેલા ગામમાં ગરબા કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં કેટલાક ગ્રામજનો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજના ૧૩ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે તેઓની ધરપકડ કરી ગામના જાહેર મેદાનમાં ઉભા કરી લાકડીઓ વડે માર માર્યો હતો. તેના ફોટા અને વીડિયો મીડિયામાં વાયરલ થયા હતા. પોલીસ વડાએ તપાસ હાથ ધરી હતી. આ સાથે મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં તેની સુનાવણી ચાલી રહી છે.