અમદાવાદમાં પાણી પુરૂં પાડતી કેનાલમાં ગંદુ પાણી આવ્યું તો તંત્ર દોડતું થયું, તો ખેડામાં કાર્યવાહી ક્યારે ? છેલ્લાં 40 વર્ષથી 11 ગામના ખેડૂતો આ સમસ્યાથી ત્રસ્ત
ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી, કેમ પગલાં લેવાતાં નથી ? અમદાવાદમાં પાણી પુરૂં પાડતી કેનાલમાં ગંદુ પાણી આવ્યું તો તંત્ર દોડતું થયું તો ખેડામાં કાર્યવાહી ક્યારે ? છેલ્લાં 40 વર્ષથી 11 ગામના ખેડૂતો આ સમસ્યાથી ત્રસ્ત અમદાવાદના પૂર્વ વિસ્તારને પીવાનું પાણી પુરુ પાડતી જીંજર રાસ્કા વિયરની શેઢી કેનાલમાં દુષિત પાણી દેખાતા તંત્ર દોડતુ થઈ ગયું હતું. તાબડતોબ કેનાલના પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, અને પાણી શુદ્ધ છે કે કેમ તેના રિપોર્ટ કરવામાં આવ્યા. આ બધું એટલે થયું કારણ કે શેઢી બ્રાન્ચનું પાણી મેટ્રોસિટીના લોકોના પીવા માટે જાય છે. પરંતુ રાસ્કાથી વિપરીત હાલત ખેડા તાલુકાની સરહદ પરથી પસાર થતી ખારીકટ કેનાલની છે.
અમદાવાદ, વટવા થઈ ખેડા જિલ્લામાં પ્રવેસતી આ કેનાલનું પાણી એક સમયે ખેડુતોના પાક માટે અમૃત હતુ. પરંતુ છેલ્લા 40 વર્ષથી ખારીકટમાં ઠલવાતા જીઆઈડીસીના કેમિકલ યુક્ત પાણીને કારણે ખેડા તાલુકાના 11 ગામોના ખેડુતોની ખેતીલાયક જમીનો નપાણી બની રહી છે. ખેડાના કલમ બંધી વિસ્તારના સારસા, કનેરા, પીંગળજ, મલારપુરા, કાશીપુરા, પાણસોલી, નવાગામ, નાયકા, કઠવાડા, ચલીન્દ્રા, ભેરાઈ, ગોવિંદપુરા, કલોલી સહિત ગામોની જમીન આ કેમિકલયુક્ત પાણીના કારણે ફળદ્રુપતા ગુમાવી ચુકી છે. ઇરીગેશન વિભાગ દ્વારા ખેડૂતો જોડેથી ચોખ્ખા પાણી માટે દર વર્ષે પાણી વેરો લેવામાં આવે છે. છતાં પણ ખેતી માટે ચોખ્ખું પાણી મળી રહ્યું નથી. પાણી ક્યાંથી દૂષિત થઇને આવે છે એ માટે જીપીસીબી (GPCB) અને સિંચાઇ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી.
અનેકવાર જીપીસીબી અને સિંચાઈ વિભાગમાં રજુઆતો પણ કરવામાં આવી છે. પરંતુ 40 વર્ષથી ચાલી આવતી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ખાનગી કંપનીઓ દ્વારા રાતના સમયે કેમિકલ ભરેલી ટેન્કરો કેનાલમાં ઠાલવવામાં આવતું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ઘણીવાર કાળા પાણીની જગ્યાએ એસિડયુક્ત પાણી પણ આવતું હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે. અમદાવાદની કેનાલમાં દૂષિત પાણી આવતા તંત્ર દોડતુ થયું, તેવી જ કામગીરી જો ખેડામાં કરવામાં આવે તો યોગ્ય પરિણામ મળે તેમ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નિકાલ કરાતો નથી ખારીકટ કેનાલમાં છેલ્લા ઘણા વર્ષોથી કેમિકલ યુક્ત પાણી આવી રહ્યું છે. જેના કારણે પશુઓ અને માણસને તેના કારણે મોટું નુકસાન થાય છે. કેમિકલ યુક્ત પાણીને લઈને જમીનોમાં પાકના ઉતારા પણ ઓછા થઈ ગયા છે, અને મોટા ભાગની જમીનોમાં ખાર આવી ગયો છે.
“વારંવાર ખેડૂતો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ આવતું નથી.” – મનીષાબેન ડાભી, સરપંચ, નવાગામ.
“કાળા પાણીને કારણે જમીનમાં ખાર આવી ગયો હું છેલ્લા 18 વર્ષથી ખેતી કરું છું. ત્યારથી કેનાલમાં આવું કાળું કેમિકલ અને એસિડ યુક્ત પાણી આવી રહ્યું છે. કાળા પાણીને લઈને અમારી જમીનોમા ખાર આવી ગયો છે. તથા જમીનના ઉપરના પણ ખરાબ થઈ ગયા છે.” – દિલાવરસિંહ પરમાર, ખેડૂત, નાયકા.
GPCBના અધિકારીઓ પ્રજાલક્ષી કામ કરે તેવી માગ અનેકવાર જીપીસીબી દ્વારા ખારીકટ કેનાલમાં પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, પરંતુ રિપોર્ટ શું આવે છે, તે જાહેર થતા જ નથી. જગ જાણે છે કે ખારીકટ કેનાલ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ઠાલવવાનું સ્થાન માત્ર બની ગઈ છે. ત્યારે વિશાળ જન હીતમાં વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.