મુંબઈ,
મહિલાઓ વિશે ક્લબહાઉસ એપના અલગ અલગ ચેટરૂમમાં બદનામી થતી હોવા બાબતે એક મહિલા આગળ આવી હતી. ૨૭ ઓક્ટોબરથી ૨૭ નવેમ્બર સુધી તેના ફોટોનો ઉપયોગ કરીને તેની પર અત્યંત વાંધાજનક અને અપમાનજનક વક્તવ્ય કરવામાં આવ્યું હતું અને તેના શરીરના ગોપનીય ભાગનું વર્ચ્યુઅલ વેચાણ કર્યું હતું. મહિલાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે પછી બે વિશેષ ટીમોએ તપાસ શરૂ કરી હતી. ભારે જહેમતને અંતે આકાશ સુયાલ ઉર્ફે કિરા એક્સડી (૧૯)ની હરિયાણાના કર્નાલથી અને જૈશ્નવ કક્કડ (૨૧) અને યશકુમાર ઉર્ફે યશ પરાશર (૨૨)ની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી છે.
કક્કડ અને પરાશર અનુક્રમે બી કોમ અને કાયદાનો વિદ્યાર્થી છે. બુલી બાઈ એપ પર મહિલાઓની લિલામી કરવાનું પ્રકરણ ગાજી રહ્યું છે અને મુંબઈ પોલીસની સાઈબર સેલે અનેક આરોપીઓની ધરપકડ કરી છે ત્યાં હવે ક્લબહાઉસ એપ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર મહિલાઓ વિરુદ્ધ અત્યંત અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવામાં આવતાં દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને મુસ્લિમ મહિલાઓને આરોપીઓ લક્ષ્ય બનાવતા હતા. આ પ્રકરણે મુંબઈ પોલીસની એસઆઈટીએ ત્રણ આરોપીઓને હરિયાણાના કર્નાલ અને ફરીદાબાદથી ઝડપી લીધા છે. ક્રાઈમ બ્રાન્ચના પ્રમુખ મિલિંદ ભારંબેએ જણાવ્યું હતું કે જયમિન ટ્વીટર અકાઉન્ટ પર ક્લબહાઉસ એપના ચેટનો વિડિયો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ પછી ઈન્સ્ટાગ્રામના લોટસ વોચ અકાઉન્ટ પર શેર કરેલો ક્લબહાઉસ ચેટ રૂમ વિડિયોમાં વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૧૬-૧૯ જાન્યુઆરી વચ્ચે આ બંને સોશિયલ મિડિયા પર વાઈરલ થયેલા ક્લબહાઉસ એપના બંને ચેટરૂમના મોડરેટર, મુખ્ય વક્તા કિરા એક્સડી નામે આઈડીનો વપરાશકર્તા હતા.