(હર્ષદ કામદાર)
દેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે એક દિવસમાં ૩૫૮૦૦થી વધુ કેસો સામે આવ્યા છે. અને ૧૭૨ના મૃત્યુ થયા છે. કોરોનાના કુલ કેસોનો આંક ૧,૧૪,૭૪,૭૧૬ ઉપર પહોંચી ગયો છે. એક્ટિવ કેસો આજની તારીખે ૨,૫૨,૩૭૨ છે જાે, કે સરકારે રસીકરણ અભિયાનમાં ૩ લાખ ૭૨ હજાર જેટલા લોકોને રસી આપી દીધી છે. પરંતુ દેશમાં અગાઉ જ્યા કોરોના કેસો હતા જ નહીં તેવા વિસ્તારોમાં કોરોના સંક્રમિત કેસો સામે આવતા કેન્દ્ર સરકાર તેમજ રાજ્યની સરકારો અને સમગ્ર આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. આવી સ્થિતિને કારણે દેશના વડાપ્રધાન શ્રી મોદીજીએ દેશના રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે યોજેલી બેઠકમાં કહ્યું હતું કે ગત વર્ષે કોરોના સંક્રમણ જ્યા નહોતું પહોચ્યું ત્યાં અત્યારે કેસો નોંધાયા છે. ત્યારે જાે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પ્રસરશે તો તેને રોકવાનુ મુશ્કેલ પડી જશે… તે સાથે તેમણે મુખ્યમંત્રીઓને ખાસ સલાહ આપી હતી કે ટેસ્ટ- ટ્રેસ-ટ્રીટ તરફ વિશેષ ધ્યાન આપે તેનો સીધો મતલબ છે કે દેશમાં કોરોના ફેલાવાની ઝડપ વધતી જઈ રહી છે. જાે કે વડાપ્રધાન માસ્ક, ડિસ્ટન્સ જાળવવા કોરોના નિયમોનું પાલન કરાવવા ખાસ ધ્યાન દોર્યુ હતું અને આવા સમયે સોશિયલ મીડિયા પર એક સંદેશો મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે કે “ચૂંટણી રાજ્યો, રાજકીય કાર્યક્રમો સિવાયના તમામ વિસ્તારોમાં કોરોના ફરી વળ્યો છે. કોરોના રાજકીય પક્ષો અને તેના કાર્યક્રમોથી દૂર રહે છે”. દેશમાં કોરોના કેસોની સંખ્યામા મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ સૌથી આગળ છે. તેમાં પણ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ૨૩૨૨૦ થી વધુ કેસ સામે આવ્યા છે અને ૧૭૬ ના મૃત્યુ થયા છે જ્યારે કે એક્ટીવ કેસ ૧,૫૨ લાખથી વધુ છે. એટલે ત્યાંની સરકારે મુંબઈ શહેરની શાળા- કોલેજાે શરૂ કરવા મંજૂરી નથી આપી તો અનેક શાળા-કોલેજ કોચિંગ ક્લાસ પર પાબંદી ફરમાવી દીધી છે. નાગપુર જેવા અનેક શહેરોમાં લોકડાઉન કે કરફ્યુ જાહેર કરી દીધો છે. ગુજરાતમાં એક જ દિવસમાં ૧૧૨૨ કેસો સામે આવ્યા છે. જેમાં સુરત અને અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થતા બાગ, બગીચા, હોટેલો, રેસ્ટોરન્ટ, જીમ, સ્પોર્ટ ક્લબો તથા લોકલ બસ વ્યવહાર પર પાબંધી ફરમાવી દીધી છે. સુરતમાં શાળા-કોલેજાે, ટ્યુશન ક્લાસ, શહેરી બસો બીજા આદેશ ન થાય ત્યાં સુધી પાબંદી ફરમાવી દીધી છે. અમદાવાદમાં બીઆરટીએસ, એએમટીએસ બસો પર પાબંધી ફરમાવી દીધી છે. તે સાથે શહેરભરના બાગ- બગીચા, ગેમ ઝોન, પ્રાણીસંગ્રહાલય, કાંકરિયા, રિવરફ્રન્ટ પર પાબંધી ફરમાવી દીધી છે. અને આવા સમયે રાજ્યકક્ષાના મંત્રી શિવરાત્રી પર્વ પ્રસંગે વડોદરામાં કહે છે કે કોરોના ફેલાશે તો તેના માટે ભગવાન જવાબદાર….. પરંતુ કોરોના કેસોની સંખ્યા વધવા છતાં રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખો, નગરપાલિકાઓમાં પ્રમુખ- ઉપપ્રમુખ વગેરેની નિમણૂંકો થતાં ટોળાબંધ કાર્યકરો તેમના સ્વાગતમાં માસ્ક ધારણ કર્યા વગર ઉમટી પડ્યા હતા…. તો આને આપણે શું કહીશું….? રાજ્ય સરકારે કોરોના નિયમોનું પાલન કરાવવા આદેશ આપી દીધા છે તે સાથે તેનો ભંગ કરનાર સામે આકરા પગલાં લેવા માટેના આદેશો પણ આપી દીધા છે. તેમજ કોરોના રસીકરણ માટેની ઝડપ દોઢ લાખથી વધારીને ત્રણ લાખ સુધી રસીકરણ કરવા સુચના આપી દીધી છે. ત્યારે હવે કોરોના ફેલાવવા માટે પ્રજા જવાબદાર ગણાવાશે રાજકીય પક્ષો કે કાર્યકરોને નહીં…..! આ વાત સમજીને મોઢા પર માસ્ક બાંધવાનો ચૂકશો નહીં……નહીં તો દંડ…..