ગાંધીનગર, તા.૪
કોરોના વાઇરસની બીજી લેહર ચાલી રહી છે ત્યારે બાળકો પર તેની સૌથી વધુ અસર થઈ છે. ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે ત્યારે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. તેનો સૌથી મોટો દાખલો વડોદરા છે, જ્યાં સયાજી હૉસ્પિટલમાં દરરોજ ૫ -૬ બાળકોને કોરોના પૉઝિટિવ હોવાનું હૉસ્પિટલના તબીબનું કહેવું છે.
સયાજી હૉસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગનાં વડા ડૉ. શીલા ઐય્યરની બીબીસીએ લીધેલી મુલાકાતમાં જણાવ્યું કે, ”બાળકોમાં કોરોના વાઇરસના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે અને છેલ્લાં એક અઠવાડિયાથી દરરોજ ૫-૬ કેસ સામે આવી રહ્યાં છે, જેમાં બાળકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય.” તેઓ વધુમાં જણાવે છે કે વડોદરામાં દરરોજ ૩૦૦થી વધુ પુખ્તવયનાં લોકો કોરોના પૉઝિટિવ આવી રહ્યાં છે ત્યારે ૫-૬ બાળકો જાે પૉઝિટિવ મળી આવે તો પરિસ્થિતિને ગંભીર ગણી શકાય નહીં. બાળકોમાં કેસ વધવા પાછળ જે કારણો છે તેમાં ઘરનાં સભ્યો સંક્રમિત થયાં હોય અને બાળકો વધુ ઘરની બહાર જઈ રહ્યાં હોય એ બાબતો સામેલ છે.
દરમિયાન બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે તેમને માહિતી મળી છે કે વડોદરામાં બાળકોમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે અને તે વિશે વધુ તેઓ શનિવારે વડોદરા જઈ રહ્યા છે, ત્યારે આ મામલે અધિકારીઓ સાથે મિટીંગ કરશે.
જાે કે, અત્રે નોંધવા જેવી બાબત એ છે કે બેંગ્લુરુમાં પણ ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોરોના વાઇરસના કેસમાં વધારો જાેવા મળ્યો છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ૧ માર્ચથી ૨૮ માર્ચ દરમિયાન ૧૦ વર્ષથી ઓછી ઉંમરના ૪૭૨ બાળકો કોરોના પૉઝિટિવ મળી આવ્યાં હતા. જે ૪૭૨ બાળકો કોરોના પૉઝિટિવ મળી આવ્યાં છે તેમાં ૨૪૪ છોકરા છે અને ૨૨૮ છોકરીઓ છે.
નિષ્ણાતોને ટાંકતાં અહેવાલ લખે છે કે કોરોના વાઇરસની બીજી લેહર ચાલી રહી છે ત્યારે બાળકો પર તેની સૌથી વધુ અસર થઈ છે. ગયા વર્ષે બાળકો મોટાભાગનો સમય ઘરની અંદર જ હતા પરતું હાલમાં તેઓ પરિવાર સાથે બહાર જઈ રહ્યાં હોવાથી તેમને ચેપ લાગવાનો જાેખમ વધી ગયું છે.
કર્નાટક ટેકનિકલ ઍડવાઇઝરી કમિટીના સભ્ય અનુસાર લૉકડાઉન વખતે બાળકો ઘરની અંદર હતા. હવે તેઓ બગીચામાં જઈ રહ્યાં છે અથવા પોતાના ઍપાર્ટમેન્ટના કોમન એરિયામાં રમી રહ્યાં છે. નિષ્ણાતો અનુસાર બાળકોને માસ્ક પહેરાવવો અને તેમની પાસે સોશિયલ ડિસ્ટેન્સિંગનું અનુસરણ કરાવવો એ સૌથી મુશ્કેલ કામ છે.