ન્યુ દિલ્હી
કોરોના મહામારીએ દુનિયાના કેટલાય દેશોને ફરીથી ગરીબીમાં ધકેલી દીધા છે. ભારતમાં ગયા વર્ષે ૭.૫ કરોડ લોકો ગરીબ થઇ ગયા અનેએ સાથે જ દેશમાં ગરીબોની કુલ સંખ્યા ૫.૯ કરોડથી વધીને ૧૩.૪૦ કરોડ એટલે કે ડબલથી પણ વધારે થઇ ગઇ, પ્યુ રિસર્ચ સેન્ટરમાં આ ખુલાસો થયો છે.
રિસર્ચરો અનુસાર, ભારતમાં મહામારી એવા સમયે આવી હતી જ્યારે દેશમાં એક દાયકામાં સૌથી ઓછી આર્થિક વૃધ્ધિ નોંધાઇ હતી. મંદ અર્થવ્યવસ્થાએ ગ્રામ્ય વિસ્તારો પર વધુ અસર કરી જ્યાં બહુમતિ ગ્રાહકો રહે છે. ગામડાઓમાં રહેતા મોટેભાગના લોકો અસંગઠીત ક્ષેત્રમાં કામ કરનારા છે. ગયા એક વરસથી તેમને પુરતું કામ નથી મળી રહ્યું એટલે લોકો ખાવા-પીવાની વસ્તુઓમાં કાપ મુકવા લાગ્યા છે.
રિપોર્ટ અનુસાર, લોકોને રોજગાર આપતી મનરેગા જેવી યોજના તેમની કામની માંગ પુરી ન કરી શકી. બધા લોકો પોતાની નાનકડી જમા પુંજી પર ગુજારો કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેર તેજ બનવાથી હાલત વધુ નિરાશાજનક બની રહી છે.
પ્યુ રિસર્ચ સેન્ટરે અંદાજ લગાવ્યો છે કે કોરોના પછીની મંદીના કારણે દેશમાં રોજના ૨૦૦ રૂપિયા અથવા તેનાથી ઓછુ કમાનારા લોકોની સંખ્યા છેલ્લા આઝાદી પછીના પહેલા ૨૫ વર્ષમાં ગરીબીમાં મોટો વધારો નોંધાયો હતો. ત્યારે ૧૯૫૧ થી ૧૯૫૪ દરમ્યાન ગરીબોની વસ્તી કુલ વસ્તીના ૪૭ ટકાથી વધીને ૫૬ ટકા થઇ ગઇ હતી.
હાલના વર્ષોમાં ભારત એવા દેશ તરીકે બહાર આવ્યો હતો જ્યાં ગરીબી ઘટાડવામાં સૌથી વધારે સફળતા મળી હતી. ૨૦૧૯ના વૈશ્વીક આંકડાઓ અનુસાર દેશમાં ૨૦૦૬ થી ૨૦૧૬ વચ્ચે લગભગ ૨૭ કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લવાયા હતા પણ મહામારીએ તેના પર પાણી ફેરવી દીધુ છે.