કોણ કહે છે સરકારી સ્કૂલોમાં દમ નથી હોતો, એક વાર અમદાવાદ શહેરની સ્માર્ટ સ્કૂલો અને તેમાં વિદ્યાર્થીઓનો ધસારો તો જોઈ લો !
સરકારી સ્કૂલોમાં હવે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર વર્ષે નોંધાતો એડમિશનનો વધારો આ વખતે રેકોર્ડ બ્રેક કરી ચુક્યો છે. શું આ સરકારી સ્કૂલોની જીત છે કે પ્રાઇવેટ સ્કૂલોની મનમાની સામે વાલીઓની હાર ?
અમદાવાદ શહેરની કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં હવે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વાલીઓ પડાપડી કરતા દેખાઈ રહ્યાં છે. AMCની સ્માર્ટ સ્કુલમાં એડમિશન માટે વાલીઓ કતારમાં છે. આપને જણાવી દઇએ કે ચાલુ વર્ષે 17 ટકા વધુ વિદ્યાર્થીઓ નોધાઈ ચુક્યાં છે. તો સાથે શાળા શરૂ થયાના બે મહિના બાદ પણ હજુ પણ ઈન્કવાયરી ચાલી જ રહી છે. જાણે કે વાલીઓ પોતાના બાળકને સરકારી સ્માર્ટ સ્કૂલમાં જ ભણાવવા માગતા હોય.
એક આંકડા પર નજર કરીએ તો સ્માર્ટ સ્કુલમાં બે હજારથી વધુ વિદ્યાર્થી અત્યાર સુધી નોંધાઈ ચુક્યાં છે. પરંતુ આ આંકડાઓ અનેક સવાલ પણ પેદા કરે છે. હા એ વાત સાચી કે સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માટે વાલીઓ પડાપડી કરી રહ્યાં છે પરંતુ શું તેઓ સ્માર્ટ શાળાનું શિક્ષણ જોઈને આ પડાપડી કરી રહ્યાં છે કે પ્રાઇવેટ સ્કૂલોની ફીની મનમાનીને લઈને વાલીઓ હવે કંટાળી ગયા છે. કારણને પ્રાઇવેટ સ્કૂલોમાં મસમોટી ફી અને દર વર્ષે થતો ફી વધારો વાલીઓને ઘણો બોજો આપી જાય છે. જ્યારે તેની સામે સરકારી શાળાનું સુધરતું શિક્ષણ અને સ્માર્ટ થતી શાળાઓ ચોક્કસથી વાલીઓને આકર્ષે તે સ્વાભાવિક બની જાય છે.