કોંગ્રેસ દ્વારા કોરોના મહામારીમાં શૈક્ષણિક કાર્ય પર અસર થતા સ્કૂલના અભ્યાસક્રમને ઘટાડવાની માંગણી કરવામાં આવી
અમદાવાદ,તા.૨૮
કોરોના મહામારીમાં સૌથી વધુ શિક્ષણ વ્યવસ્થાને અસર થઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પત્ર લખીને શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી પાસે કોર્ષ ઘટાડા માટે માંગણી કરી છે. પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે શૈક્ષણિક અભ્યાસક્રમ નક્કી કરવો આવશ્યક છે. સી.બી.એસ.ઈ. દ્વારા ત્રણ મહિના અગાઉ અભ્યાસક્રમમાં ઘટાડો કરીને જાહેરાત કરી દીધી છે. હજુ સુધી રાજ્યના શિક્ષણ વિભાગે અને ખાસ કરીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના અભ્યાસક્રમમાં ઘટાડા અંગે નક્કર જાહેરાત કરવામાં આવેલી નથી. પરિણામે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો પણ અવઢવમાં છે.
મનીષ દોશીએ વધુ માં જણાવ્યું કે, દરેક વિષયનો અભ્યાસક્રમ નિશ્ચિત થઈ જાય તો પ્રકરણ દીઠ વિદ્યાર્થીઓ તે દિશામાં મહેનત કરી શકે. અનિર્ણાયકતાના કારણે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાને ચાર મહિના જેટલો સમય બાકી છે, તેવા સમયે શિક્ષણ વિભાગ અને બોર્ડ દ્વારા નક્કર ર્નિણયના અભાવે રાજ્યના વિદ્યાર્થીઓની કારકિર્દી સામે મોટો પડકાર ઉભો થઈ રહ્યો છે.
લગભગ ૧૫ મહિના કરતા પણ વધુ સમય શૈક્ષણિક સંકુલો બંધ રહ્યા એટલે કે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી હતી. જેમાં ૫૦ ટકા કરતા વધુ વિદ્યાર્થીઓ શિક્ષણના સાતત્યથી વંચિત રહ્યા. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણમાં જાેડાયા તેમને પણ લેખન, વાંચનમાં ઘણી મુશ્કેલી ઉભી થઈ છે. જે ઓનલાઈન શિક્ષણની મર્યાદા છે. વર્ગખંડ શિક્ષણ વધુ અસરકારક અને વિશેષરૂપે ફાયદાકારક હોય છે.