રાજ્યમાં ૧૪,૫૩૯ નવા કેસ નોંધાયા જ્યારે ૧૨૪ના મોત નિપજ્યા
તિરુવનંતપુરમ્,તા.૧૪
કોરોના અટકવાનું નામ ના લઈ રહ્યો હોવાની ચિંતાઓ વચ્ચે કેરળે બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. ગુજરાત સહિતના રાજ્યો સહિત આખા દેશમાં કોરોનાની બીજી લહેર જાણે સમાપ્ત થઈ રહી છે, પરંતુ કેરળમાં સ્થિતિ હજુય ગંભીર છે. કેરળ સરકારે બહાર પાડેલા આદેશ અનુસાર, રાજ્યમાં ૧૭-૧૮ જુલાઈ એટલે કે શનિ-રવિના રોજ સંપૂર્ણ લોકડાઉન રહેશે.
અગાઉના લોકડાઉન માટે જે પ્રમાણે ગાઈડલાઈન ઈશ્યૂ કરવામાં આવી હતી તે જ ગાઈડલાઈન આ લોકડાઉન માટે પણ અમલી રહેશે. આ બે દિવસો દરમિયાન બેંકો અને નાણાંકીય સંસ્થાઓને પણ કામકાજ બંધ રાખવાનો આદેશ અપાયો છે. બે દિવસના લોકડાઉન દરમિયાન જાેકે જીવનજરુરી ચીજવસ્તુઓની દુકાનો સાંજે ૮ વાગ્યા સુધી ખૂલ્લી રહેશે. મંગળવારે કેરળમાં કોરોનાના ૧૪,૫૩૯ નવા કેસ નોંધાયા હતા અને રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૨૪ લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના ૩૦.૮ લાખ કેસ નોંધાયા છે, જેમાંથી ૨૯.૫૭ લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે ૧૪,૮૧૯ લોકોના મોત થયા છે. કેરળ સિવાય મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસોમાં ખાસ ઘટાડો નથી થયો. રાજ્યમાં હાલની તારીખે પણ રોજના સાત હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. મંગળવારે પણ રાજ્યમાં ૭,૨૪૩ કેસો નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસોમાં ઘટાડો થતાં મોટાભાગના રાજ્યોમાં હોસ્પિટલો ખાલી થઈ ગઈ છે અને જનજીવન પણ સામાન્ય બની રહ્યું છે. જાેકે, કેરળમાં ઉલ્ટો પ્રવાહ જાેવા મળી રહ્યો છે. દેશમાં સૌ પ્રથમ કોરોનાની દર્દી કેરળની જ હતી, જેને પણ ફરી ચેપ લાગ્યો હોવાના ગઈકાલે અહેવાલ આવ્યા હતા.