Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

કિડની ઇન્સ્ટીટ્યુટના કર્મયોગી બ્રેઇનડેડ થતા પરિજનોએ અંગદાન કર્યુ – બે કિડની અને એક લીવરનું દાન મળ્યું

અબરાર એહમદ અલવી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૧મું અંગદાન

અમદાવાદના પ્રવિણભાઇ પરમારે કિડની ઇન્સ્ટિટ્યૂટમા વર્ષો સુધી સેવા આપી : મરણોપરાંત અંગદાનમાં મળેલા અંગો કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરાયા

કૃષ્ણજન્મ પારણના દિવસે પ્રવિણભાઇના અંગદાને ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું – ડૉ. રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે ભાવુક કિસ્સો બન્યો છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષના પ્રવિણભાઇ પરમાર ૨૦ વર્ષથી અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં વેલ્ડીંગનું કામ કરતા હતા. ૫ મી સપ્ટેમ્બરે તેમને બ્રેઇનહેમરેજ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. ૪૮ કલાકની સધન સારવારના અંતે હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા.

બ્રેઇનડેડ જાહેર કરાતા પ્રવિણભાઇના ભાઇ મનોજભાઇ સહિતના સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો.
વિધાતાના લેખ તો જુવો જે હોસ્પિટલમાં તેઓએ ૨૦ વર્ષની નોકરી કરીને સેવા આપી તે જ હોસ્પિટલમાં અંગદાન થકી મળેલા અંગોને દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા.

પ્રવિણભાઇના સત્કાર્યોની સુવાસ આજીવન અને મરણોપરાંત પણ કિડની હોસ્પિટલમાં પ્રસરી ગઇ.
મહત્વની વાત એ છે કે, પ્રવિણભાઇ પરમારના ભાઇ મનોજભાઇ પરમાર પણ છેલ્લા ૨૦ વર્ષથી અને તેમના ભાભી રશ્મીકાબેન મનોજભાઇ પરમાર પણ છેલ્લા ૧૭ વર્ષથી સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં સેવાઓ આપી રહ્યા છે. સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબોએ જ્યારે પ્રવિણભાઇને બ્રેઇનડેડ જાહેર કર્યા ત્યારે આ તમામ લોકોએ એકજૂટ થઇને પરોપકારભાવ સાથે અંગદાનનો નિર્ણય કર્યો.
બ્રેઇનડેડ પ્રવિણભાઇના અંગોને રીટ્રાઇવ કરવામાં આવ્યા. જેમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૩૧મું અંગદાન વિશેષ બની રહ્યું છે. કૃષ્ણજન્મ પારણાના દિવસે જ બ્રેઇનડેડ પ્રવિણભાઇએ ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આજે સિવિલ મેડિસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમા નોકરી કરતા વ્યક્તિ જ્યારે બ્રેઇનડેડ થયા ત્યારે જનજાગૃતિના પરિણામે ગણતરીની મીનિટોમાં જ તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપીને ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *