આ અનોખી છાપ છોડતો લોકમેળો એ કચ્છની તાસીર છતી કરે છે
આવા લોકમેળા આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે, તો સાથે જ માનવતાની મશાલ પણ પ્રગટાવે છે.
કચ્છ,
કચ્છ એક વિશિષ્ઠ સંસ્કૃતિ ધરાવતો પ્રદેશ છે. જેની કોમી એકતા દેશભરમાં નમૂનારૂપ છે. ભાઈચારાની ભાવના કાયમ રાખતા લોકમેળાઓ અહીંની એક વિશેષતા છે. તો આવા ધાર્મિક લોકમેળામાં “બખમલાખડો” જેવી કચ્છી રમત સર્વે ધર્મને જોડતી આવી છે. કચ્છના અબડાસા તાલુકાના રાતા તળાવ ગામે આશાપુરા માતાજી મંદિરના પાટોત્સવમાં પણ આવી જ રીતે “બખમલાખડો”ના ખેલ વચ્ચે કોમી એકતાના સુંદર દ્રશ્યો નિહાળવા મળે છે.
અબડાસા તાલુકો એટલે એક એવો પ્રદેશ જ્યાં વીર અબડાએ અન્ય ધર્મની યુવતીઓના રક્ષણ માટે પોતાના જીવનો બલિદાન આપ્યો હતો. આવા કોમી એકતાના પ્રતીક રૂપી પ્રદેશના રાતા તળાવ ગામમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાનો પ્રતીક એવો આશાપુરા માતાજીના મંદિર પાટોત્સવનો મેળો યોજાયો હતો. રાતા તળાવ શ્રી કચ્છી ભાનુશાળી ઓધવરામ સત્સંગ મંડલ તેમજ સંતશ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ દ્વારા અનેક વર્ષોથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વહેલી સવારે પૂજા-આરતી, હોમ-હવન, ધજા આરોહણ વગેરે ધાર્મિક ક્રિયાકાંડ બાદ સર્વે ધર્મના લોકો અહીં મહાપ્રસાદ લે છે. તો મહાપ્રસાદ બાદ માનવતાના આ મેળામાં સર્વે ધર્મના લોકો કચ્છી કુશ્તી એટલે “બખમલાખડો”માં ભાગ લે છે તો અનેક લોકો તેને નિહાળવા ભેગા થાય છે.
કચ્છી WWF તરીકે ઓળખાતી આ કુશ્તીમાં બે લોકો ધૂળિયા મેદાનમાં કુશ્તી કરે છે જેને જોવા હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે. ફક્ત બળ જ નહીં પણ બુદ્ધિ કૌશલ્ય વધારતી અને સામેવાળાને કઈ રીતે મ્હાત કરી શકાય તેની વ્યૂહરચના ઘડીને રમાતી આ રમતમાં કુસ્તીબાજોને હજારો રૂપિયાના ઈનામ પણ મળે છે. અનેક વર્ષોથી ટીવી પર આવતી કુસ્તીના લોકો દિવાના હોય છે, પણ કચ્છી કુસ્તી જોયા બાદ મુંબઈથી આવા ધાર્મિક પ્રસંગોમાં આવતા લોકો પણ આના દિવાના બને છે. કારણ કે આ રમત માત્ર રમત સુધી સીમિત ન રહી ભાઇચારાનું પ્રતીક બને છે. કચ્છ બહાર વસતા કચ્છીઓ અને માદરે વતન આવતી નવી પેઢી પણ આ ખેલથી રોમાંચિત થાય છે.