બરેલી,તા.૨૫
કોરોના રોગચાળાના આ યુગમાં સરકાર અને અન્ય સંગઠનો સતત લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અપીલ કરી રહ્યા છે. પરંતુ માસ્ક નહીં પહેરવાના કારણે ઉત્તર પ્રદેશના બરેલીમાં એક વ્યક્તિ સાથે જે બન્યુ તેને જાણીને તમે ચોંકી જશો. બેંકમાં માસ્ક પહેર્યા વગર પ્રવેશ કરતા એક સરકારી કર્મચારીને ગાર્ડે ગોળી મારી દીધી.
વાસ્તવમાં બરેલી કોટવાલી વિસ્તારમાં રેલ્વે કર્મચારી રાજેશ કોઈ કામ માટે બેંક ઓફ બરોડાની શાખામાં ગયો હતો અને તે દરમિયાન તેણે માસ્ક પહેર્યુ ન હતુ. આ બાબતે તેને બેંકના સિક્યુરિટી ગાર્ડ સાથે દલીલ થઈ હતી, જેના પછી ગુસ્સે ભરાયેલા ગાર્ડે સરકારી કર્મચારીને ગોળી મારી દીધી હતી. આરોપી ગાર્ડનું નામ કેશવ છે.
ગાર્ડે રેલ્વે કર્મચારીને પગમાં ગોળી મારી હતી, ત્યારબાદ બેંકમાં હાજર લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. ગાર્ડ કેશવ દ્વારા ચલાવેલી ગોળી રાજેશના પગમાં લાગી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
બરેલી પોલીસે ટિ્વટર દ્વારા માહિતી આપી હતી કે, કોઇ બાબતે થયેલી દલીલ બાદ કેશવે ગ્રાહકને પગમાં ગોળી મારી દીધી હતી. પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હત્યાના પ્રયાસના આરોપસર પૂર્વ આર્મી ગાર્ડની ધરપકડ કરી હતી. એસએસપી, આઈજી, એસપી સિટી રવિન્દ્ર કુમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બેંક સાથે અધિકારીઓ પાસેથી ઘટનાની પૂછપરછ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલ્વેનો કર્મચારી રાજેશ કોઈ કામ માટે માસ્ક પહેર્યા વગર બેંક પહોંચ્યો હતો, આ જ વાતને લઈને વિવાદ થયો હતો અને ગાર્ડે ગોળી મારી દીધી હતી. જાે કે, ગાર્ડે પૂછપરછ દરમિયાન ઇરાદાપૂર્વક ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે ઇજાગ્રસ્ત રેલ્વે કર્મચારીને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો.