એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી રવિવારે મેચ રમાશે
પાકિસ્તાનની હૉંગકોંગ સામે ધમાકેદાર જીત બાદ એશિયા કપ સુપર 4 સ્ટેજનો કાર્યક્રમ સ્પષ્ટ થઇ ગયો છે. બાબર આઝમની ટીમે હૉંગકોંગને 155 રને હરાવ્યુ હતુ અને સુપર-4માં જગ્યા બનાવી હતી. સુપર 4માં પાકિસ્તાન પહેલા ભારત, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ક્વોલિફાઇ કરી ચુક્યા છે. બીજી તરફ બાંગ્લાદેશ અને હૉંગકોંગ પહેલા જ તબક્કામાં ટૂર્નામેન્ટની બહાર થઇ ગઇ છે. ગ્રુપ Aમાંથી ભારત અને પાકિસ્તાને સુપર 4 માટે ક્વોલિફાઇ કર્યુ છે જ્યારે ગ્રુપ Bમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાને આગામી તબક્કામાં જગ્યા બનાવી છે. ગ્રુપ સ્ટેજમાં ભારત અને અફઘાનિસ્તાને તમામ મેચ જીતી હતી.
સુપર 4ની ચાર ટીમના નામ સ્પષ્ટ થયા બાદ ફાઇનલ કાર્યક્રમ પણ સામે આવ્યો છે. આ તબક્કામાં તમામ ટીમોએ રાઉન્ડ રૉબિનના આધાર પર દરેક ટીમ વિરૂદ્ધ એક મેચ રમવી પડશે. સુપર 4માં પ્રથમ મેચ આજે 3 સપ્ટેમ્બરે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે જ્યારે ભારત પોતાની પ્રથમ મેચ 4 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરૂદ્ધ રમશે.
એશિયા કપ 2022 સુપર-4નો કાર્યક્રમ
3 સપ્ટેમ્બર- અફઘાનિસ્તાન વર્સિસ શ્રીલંકા
4 સપ્ટેમ્બર- ભારત વર્સિસ પાકિસ્તાન
6 સપ્ટેમ્બર- ભારત વર્સિસ શ્રીલંકા
7 સપ્ટેમ્બર- પાકિસ્તાન વર્સિસ અફઘાનિસ્તાન
8 સપ્ટેમ્બર- ભારત વર્સિસ અફઘાનિસ્તાન
9 સપ્ટેમ્બર- શ્રીલંકા વર્સિસ પાકિસ્તાન
11 સપ્ટેમ્બર- ફાઇનલ, દૂબઇ
સુપર 4ના તમામ મુકાબલા ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગીને 30 મિનિટે શરૂ થશે. ટોસ 7 વાગ્યે થશે. આ તબક્કામાં ટોપ 2 ટીમ ફાઇનલમાં પહોચશે. 11 સપ્ટેમ્બરે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ દૂબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
1984માં રમાઇ હતી પ્રથમ ટૂર્નામેન્ટ
એશિયા કપની શરૂઆત વર્ષ 1984માં થઇ હતી અને અત્યારે તેની 15મી સીઝન રમાઇ રહી છે. ટીમ ઇન્ડિયા આ સ્પર્ધાની સૌથી સફળ ટીમ છે જેને અત્યાર સુધી 7 વખત ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. આ સિવાય શ્રીલંકાએ પાંચ અને પાકિસ્તાને બે વખત એશિયા કપ ટ્રોફી પર કબજો કર્યો છે. શ્રીલંકન ટીમ આ ટૂર્નામેન્ટની તમામ 15 સીઝનમાં ભાગ લઇ ચુકી છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ 14-14 વખત આ ટૂર્નામેન્ટમાં સામેલ થઇ છે.