એન.આર.આઇ. ઓફ ઇન્ડિયા- ટોરોન્ટો ગૃપે કોરોનાગ્રસ્ત ૯૫ કુટુંબોને મદદ કરીને માનવતાને મહેકાવી છે : વાઇસ ચાન્સેલર ડો. ઝીણાભાઇ પટેલ
નવસારી,
ટોરોન્ટો કેનેડાના ગુજરાતી ગૃપ દ્વારા નવસારી અને જલાલપોર તાલુકાના કોરોના મહામારીમાં જે કુટુંબોનો કમાનાર અવસાન પામ્યો હોય એવા આર્થિક રીતે નબળાં ૯૫ કુટુંબોને રૂ. દશ હજારની સહાય કરવાનો કાર્યક્રમ નવસારી ડીસ્ટ્રીક્ટ સિનિયર સીટીઝન હૉલમાં નવસારી એગ્રીકલચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ વિદ્યાસંકુલ તથા હોસ્પિટલના ચેરમેન શ્રી માધુભાઇ કથીરિયા તથા નવસારી જીલ્લા રોગચાળા નિવારણ અધિકારી ડૉ. મેહુલ ડેલીવાલા હતા. આ કાર્યક્રમ એન.આર.આઇ, ટોરોન્ટો ગૃપના પ્રતિનિધિઓ શ્રી બળવંતભાઈ પટેલ (ખારા અબ્રામા) તથા શ્રી અરવિંદભાઇ પટેલ (આટ)ની નિશ્રામાં યોજાયો હતો. કાર્યક્રમના આરંભમાં નવસારી સીનિયર સીટીઝનના પ્રમુખ શ્રી સુરેશ દેસાઈએ સહુને આવકારી આ માનવતાપૂર્ણ કાર્યક્રમમાં નવસારી સીનિયર સીટીઝન ટ્રસ્ટને પણ જોડવા માટે એન.આર.આઇ. ઓફ ઇન્ડિયા ટોરોન્ટો ગૃપનો આભાર માન્યો હતો.
કોરોનાગ્રસ્ત કુટુંબોને આર્થિક સહાય આયોજનના સ્થાનિક પ્રતિનિધિ શ્રી બળવતભાઇ પટેલે માહીતિ આપતાં જણાબ્યું હતું કે આજે જે કાર્યક્રમ યોજાયો છે એમાં નવસારી જલાલપોર તાલુકાનાં ૨૫ કુટુંબોને આર્થિક સહાય રૂપે સાડા નવ લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ પૂર્વે કેનેડા ટોરોન્ટો ગુજરાતી ગૃપ દ્વારા ન.મો. કોવિડ સેન્ટરને ૧ લાખ તથા પ્રભાકુંજ કોવિડ સેન્ટરને પણ ૧ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. નવસારી જલાલપોર તાલુકાના ૧૯ પ્રાથમિક આરોગ્ય કેંદ્રોને કોરોના કાળ દરમિયાન એમની જરીરિયાત પ્રમાણે ત્રણ લાખનાં સાધનો આપવામાં આવ્યાં હતાં. રાફેક હોસ્પિટલ મંદિર તથા બીજા પી.એચ.સી.ને ૮ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર. એજ વ્હીલચેર, સ્ટ્રેચર, ૧૨૦ પીજી કીટ. ૧૩ ઓક્સીપ્લસ મીટર પણ આપવામાં આવ્યાં હતાં. હજુ પણ આ મદદકાર્ય ચાલુ જ રહેશે.
શ્રી માધુભાઈ કથીરિયાએ કોરોનાગ્રસ્ત કુટુંબોના ઉપસ્થિર રહેલા પ્રતિનિધિઓને એમનાં સ્વજનને ભૂલીને જીવનના પ્રવાહમાં જોડાઇ જવાની સલાહ આપી હતી. એમણે ટોરોન્ટો એન.આર.આઇ.ગૃપના સેવાકાર્યને બીરદાવીને જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન સૌરાષ્ટ્ર લેઉઆ પાટીદાર સમાજ અનેક ગામોના કોરોનાગ્રસ્ત કુટુંબોને સહાય રૂપ બન્યો હતો અને ૧૧૦૦ ઓક્સિજન સિલિન્ડર પૂરા પાડ્યા હતા.
ડૉક્ટર મેહુલ ડેલિવાલાએ જણાવ્યુ હતું કે કોરોનાનો બીજો સ્પેલ ખૂબ ભયંકર હતો અને એમાં અનેક કુટુંબોએ સેંકડો સ્વજનોને ગુમાવ્યાં હતાં, વાંસદા અને ખેરગામમાં માસ્ક નહીં પહેરવા, સોશિયલ ડીસ્ટન્સિંગ નહીં જાળવવું આવી બેદરકારીના કારણે ઘણાં મૃત્યુ થયાં. એમણે ત્રીજી લહેર નહીં આવે એ માટે પ્રાર્થના કરવાની અને સાવધાન રહેવાની સલાહ આપી હતી.
અધ્યક્ષસ્થાનેથી વાઇસ ચાન્સેલર ડૉ.ઝીણાભાઇ પટેલે કહ્યું હતું કે કોરોનાએ ધનના અને મોટા હોવાના અભિમાનને તોડી નાખ્યું. ટેક્નોલોજી અને બુધ્ધિમતાથી માનવજાતનો બચાવ થયો. કોરોનાની મહામારી દરમિયાન માણસે માણસથી દૂર જવું પડ્યું અને સેવાભાવનાથી માણસ માણસની નજીક પણ ગયો ટોરોન્ટો ગુજરાતી ગૃપ અને સીનિયર સીટીઝન ટ્રસ્ટની સેવાભાવનાને હું બિરદાવું છું. ટોરોન્ટો ગૃપના જે પ્રતિનિધિઓ અહીં ઉપસ્થિત છે એમના દ્વારા ટોરોન્ટોના ગુજરાતી ગૃપને હું માનવતાને મહેકાવવા માટે ધન્યવાદ આપું છું.
આ કાર્યક્મમાં કેવીકે સીનિયર સાયન્ટીસ્ટ ડૉ.ટીંબડિયા, સયાજી લાયબ્રેરીના શ્રી જે.યુ.મહેતા, ઉત્કર્ષ મંડળના શ્રી હરેશ વશી, પ્રા. રેવાબેન પટેલ પણ ઉપસ્થિત હતા.
આભારદર્શન ટોરોન્ટો ગુજરાતી ગૃપના શ્રી અરવિંદ પટેલે કર્યું હતું અને શ્રી તુષારકાંત દેસાઈએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમનો આરંભ કરૂણા દેસાઇની ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ પ્રાર્થનાથી થયો હતો.