અમદાવાદ,તા.9
બાળકોથી લઇને મોટી વયના લોકોનો અતિપ્રિય એવો ઉત્તરાયણ તહેવાર હવે ગણતરીના દિવસોમાં આવી જશે. ઉત્તરાયણમાં દર વર્ષે નવી ડિઝાઇન સાથે તૈયાર થયેલી પતંગ બજારમાં જોવા મળે છે. પતંગ રસિકો માટે નવી જ રીતે તૈયાર થયેલી પતંગથી વધુ લોકો આકર્ષાય તે માટે અવનવી પતંગ તૈયાર કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે ઉત્તરાયણના તહેવારમાં નવી ડિઝાઇન સાથે તૈયાર થયેલા વિવધ ડિઝાઇનના પતંગ માર્કેટમાં જોવા મળી રહ્યા છે.
ખાસ કરીને શહેરના પતંગના હોલસેલ વેપારી ઈકબાલભાઇ બેલિમે નવી ડિઝાઇનથી તૈયાર થયેલી પતંગ વિશે મંતવ્ય આપ્યા હતા. તેમણે કોરોના થીમ પર અવનવી પતંગો દ્વારા લોકોને જાગૃત કર્યા છે, જેમાં “કોરોનાથી ડર નહીં જાગરુકતા ફેલાયે” ” અફવાહ નહીં સહી જાનકારી ફેલાયે” ” ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને સુરક્ષિત” ” કોરોના સે કરની હે પરિવાર કી રક્ષા, તો ટીકા લગવા કર કરે સુરક્ષા” “હાથ મિલાને કે બજાય નમસ્તે કરે” તેવીજ રીતે નશામુક્ત ગુજરાતની થીમ ઉપર “મારું ઘર તમાકુ મુક્ત, મારું કુટુંબ તંદુરસ્ત” “કેન્સર ડરે તે મરે, જાણે તે જીવે” “ગુજરાતનાં દર્દીઓની સેવામાં ગુજરાત કેન્સર સોસાયટીનું પદાર્પણ” જેવી થીમ ઉપર પતંગો બનાવીને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આગળ પતંગનાં વિક્રેતા ઈકબાલ ભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે પતંગ તૈયાર કરવાના કાચા માલમાં ભાવ વધ્યો છે ત્યારે હોલસેલ પતંગના ભાવમાં પણ વધારો થયો છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસો વધતા વાયબ્રન્ટ સમિટ રદ્દ કરવામાં આવી છે. આ અંગે વાયબ્રન્ટ સમિટ રદ કરવાનો નિર્ણય લેવાયો છે તે પ્રજાના હિતમાં છે આ નિર્ણયના કારણે પતંગના વેપાર પર કોઈ અસર નહી પડે. ઈકબાલ ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે કોરોનાના લીધે પતંગના વેપારમાં નુકસાન થયું હતું તો આ વર્ષે વેપારીઓ સારા વેપાર ની આશા રાખી રહ્યાં છે.