રોમ,તા.૨૯
એક સમયે યુરોપમાં કોરોના વાયરસનો ગઢ બની ચૂકેલા ઇટાલીથી ગુડ ન્યૂઝ સામે આવી રહ્યાં છે. ઇટાલી યુરોપનો એવો પ્રથમ દેશ બની ગયો છે, જ્યાંના નાગરિકોને માસ્ક પહેરવાથી છૂટ મળી છે. ઇટાલીએ પોતાના ૨૦ રાજ્યોને લો કોરોના રિસ્કની શ્રેણીમાં મૂક્યાં છે. ઇટાલીમાં હવે કોરોના વાયરસના માત્ર ૫૪૬૮૨ કેસ વધ્યાં છે અને એક સમયે યુરોપમાં ઇટાલીમાં સૌથી વધુ કોરોનાને લીધે તબાહી થઇ હતી. યુરોપમાં બ્રિટન બાદ ત્યાં સૌથી વધુ લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું હતું.
ઇટાલીમાં કુલ મળીને કોરોના વાયરસથી અત્યાર સુધી ૪૨.૫૮ લાખ કેસ સામે આવ્યા છે, જેમાંથી ૪૦.૭૬ લાખથી વધુ લોકો સ્વસ્થ થઇ ગયા છે, પરંતુ ૧.૨૭ લાખથી વધુ લોકોના મોત નિપજ્યાં હતાં. કોરોના વિરુદ્ધ લડાઇમાં ઇટાલીએ વેક્સિનેશનને ઝડપી બનાવ્યું અને હવે ત્યાં સંક્રમણનો ખતરો ઓછો થયો છે. જેના લીધે સરકારે નાગરિકોને માસ્ક ન પહેરવાની છૂટ આપી છે.
ભારતમાં પણ વેક્સિનેશન અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે, પરંતુ ભારતની જનસંખ્યા ઇટાલીની સરખામણીએ અનેક ગણી વધુ છે. જેના લીધે ભારતમાં તમામ લોકોને વેક્સિન આપવામાં થોડો સમય લાગી શકે છે. ભારતમાં મંગળવારે સવાર સુધી ૩૨.૯૦ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે, જે ઇટાલીની જનસંખ્યાથી ૫ ગણી વધુ છે. ઇટાલીની જનસંખ્યા લગભગ ૬.૦૩ કરોડ છે અને ભારતમાં ૫.૭૯ કરોડ લોકોને વેક્સિનના બન્ને ડોઝ મળી ગયા છે. જ્યારે ૨૭.૧૧ કરોડ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે.