જેરુસલેમ,તા.૧૯
કોરોના મહામારીએ વિશ્વના તમામ દેશોને શીખવ્યું છે કે, એકબીજાની મદદ કરીને મોટામાં મોટી આફતનો સામનો કરી શકાય છે. આ મંત્ર પર આગળ વધીને ઈઝરાયલે પેલેસ્ટાઈનને લાખો કોવિડ વેક્સિન પૂરી પાડવાની તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે જમીન કબજાની લડાઈ ખૂબ જ જૂની છે. ગત મહિને પણ બંને દેશ વચ્ચે ભારે તણાવ જાેવા મળ્યો હતો પરંતુ આફતના આ સમયે ઈઝરાયલે પેલેસ્ટાઈનને સાથ આપવાનું વચન આપ્યું છે. ઈઝરાયલે પોતાની કુલ વસ્તીના ૮૦ ટકાથી વધારે વયસ્કોને કોરોનાની રસી આપી દીધી છે. ખાસ વાત એ છે કે, ઈઝરાયલમાં નવી સરકારની રચના બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
૧૯૪૮ પહેલા પેલેસ્ટાઈનની ભૂગોળ કંઈક અલગ જ હતી. તે સમયે પણ ત્યાં કેટલાક યહૂદી શરણાર્થીઓ રહેતા હતા પરંતુ તે સમયે પેલેસ્ટાઈન પર ૧૦૦ ટકા પેલેસ્ટાઈનીઓનો કબજાે હતો અને તે સમયે ઈઝરાયલનું નામોનિશાન પણ નહોતું. ૧૯૪૮માં અંગ્રેજાેએ પેલેસ્ટાઈનના ૨ ટુકડા કરી દીધા હતા. જમીનનો ૫૫ ટકા હિસ્સો પેલેસ્ટાઈનના હિસ્સામાં આવ્યો હતો અને ૪૫ ટકા હિસ્સો ઈઝરાયલના હિસ્સામાં આવ્યો હતો. આ બધા વચ્ચે ૧૪ મે ૧૯૪૮ના રોજ ઈઝરાયલે પોતાને એક આઝાદ દેશ ઘોષિત કર્યો હતો અને આ રીતે વિશ્વમાં પહેલી વખત એક યહૂદી દેશનો જન્મ થયો હતો.