આ વર્ષથી 6 વર્ષ પુરા કરેલ બાળકને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે, એકાદ મહિનો પણ ચુક્યો હશે તો 7 વર્ષે પ્રવેશ મળશે
શૈક્ષણિક ક્ષેત્રે 6 વર્ષ પુરા થાય ત્યારે જ પહેલા ધોરણમાં અભ્યાસ મળે એ ખરેખર યોગ્ય છે કારણ કે નવી પ્રણાલિકા મુજબ લોકો બાળકોને રમવાની ઉંમરે શાળામાં બેસાડી દેતા હોય છે જેમાં બાળકોનું બાળપણ સમય કરતાં પહેલાં જ અભ્યાસમાં જોડાઈ જાય છે.
શૈક્ષણિક વર્ષ 2023/24થી 1લી જૂન સુધી 6 વર્ષની ઉંમર પૂરી કરનારા બાળકને ધોરણ 1માં જ પ્રવેશ મળવાનો છે. જેથી એકાદ મહિના બાદ 6 વર્ષ પૂરા કરનારા બાળકને પ્રાથમિક શાળામાં છેક સાત વર્ષની ઉંમરે એકડો ઘૂંટવા મળશે. જો કે, હાલ નવા શૈક્ષણિક વર્ષ 2022/23થી અંદાજે 25000 ઉપરાંત બાળકો મે મહિનાની 31મી તારીખે પાંચ વર્ષ પૂરા કર્યા હશે તો પણ પ્રાથમિક શાળાના ધોરણ 1માં પ્રવેશ મેળવે એવો અંદાજ છે.
ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ બે વર્ષ અગાઉ 2020ની 23મી ડિસેમ્બરે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખી સુધારેલા જાહેરનામા અંગે જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષના 1લી જૂનના રોજ જે બાળકની ઉંમર 6ઠું વર્ષ પૂરું થયું ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમણે વધુમાં લખ્યું છે કે, શૈક્ષણિક વર્ષ 2020/21, 2021/22 અને 2022/23 દરમિયાન કોઈ બાળકે તે શૈક્ષણિક વર્ષના 1 લી જૂને 5 વર્ષની વય પૂર્ણ કરેલી હોય તો તે જે તે વર્ષમાં પ્રવેશ મેળવવા પાત્ર રહેતો હતો, જેમાં હવે શૈક્ષણિક વર્ષ 2023/24 માટે સુધારો આવ્યો છે અને 1લી જૂનથી 6 વર્ષ પૂરા કરનારા બાળકને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. જે બાબતે વાલીઓ અવઢવમાં છે, જેથી સ્પષ્ટતા કરવી. જો કોઈ વાલી પોતાના પાલ્યને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાવવા માંગતા હોય તો શિક્ષણ વિભાગના સદર જાહેરનામાને ધ્યાને લઈ શાળાઓ દ્વારા જે તે બાળકને પૂર્વ પ્રાથમિક જેમ કે પ્લેગ્રાઉન્ડ, નર્સરી, જુ.કેજી, સી.કેજી.માં એવી રીતે પ્રવેશ આપવામાં આવે કે જ્યારે તે બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ 1માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023/24માં 1લી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થયેલી હોય.