ગુજરાતી ફિલ્મોને કુલ પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા
અમદાવાદ,તા.૨૫
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ૨૦૨૩ની વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં આ વિશેષ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિજેતા ફિલ્મોની જાહેરાત કરવામાં આવી હતી.
૬૯માં રાષ્ટ્રીય ફિલ્મ પુરુસ્કારમાં આ વખતે ગુજરાતી ફિલ્મો પણ છવાઈ છે. ગુજરાતી ફિલ્મોને કુલ પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. નેશનલ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મ્સ અને એક્ટર સહિત ૫ એવોર્ડ મળ્યા છે. જાે કે, વિજેતા ચારેય ગુજરાતી ફિલ્મમાં બાળકલાકારોએ સપાટો બોલાવ્યો છે. ચારેય ફિલ્મમાં બાળ કલાકારો ચમક્યા છે. આ ચારેય ગુજરાતી ફિલ્મોની વાત કરવામાં આવે તો ‘છેલ્લો શો’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
ફિલ્મ ‘છેલ્લો શો’ પ્રોડ્યુસર જુગાડ મોશન પિક્ચરના બેનર અને પાન નલિનના ડાયરેક્શન હેઠળ બની છે. આ ફિલ્મ ઓસ્કાર સુધી ભારતની અધિકૃત એન્ટ્રી તરીકે પણ પહોંચી હતી. તેને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ ઍવોર્ડ મળ્યો છે. એવોર્ડ સમારોહમાં તેને રજત કમલ અને ૧ લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું.
બાળ કલાકાર ભાવિન રબારીએ ‘છેલ્લો શો’ ફિલ્મમાં મુખ્ય રોલ ભજવ્યો હતો. જેથી આ ફિલ્મના મુખ્ય બાળ કલાકાર ‘ભાવિન રબારી’ને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ મળ્યો છે. તેને રજત કમલ અને ૫૦ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.
‘ગાંધી એન્ડ કંપની’ને બેસ્ટ ગુજરાતી ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. તેના માટે સ્વર્ણ કમળ અને ૧ લાખ ૫૦ હજારનું ઈનામ આપવામાં આવ્યું હતું. ‘દાળ ભાત’ને બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શનનો ખાસ એવોર્ડ આપવામાં આવ્યો છે.
નેમિલ શાહના ડાયરેક્શનમાં બનેલી ગુજરાતી શોર્ટ ફિલ્મ ‘દાળ-ભાત’ને બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મનો પુરસ્કાર અપાયો છે.
આ સિવાય બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઑફ અ ડાયરેક્ટરનો એવોર્ડ ફિલ્મ પંચિકાને અપાયો છે. ‘પાંચીકા’ સાત વર્ષની મિરીની વાર્તા છે જે ભાણું પહોંચાડવા રણ પાર કરી મીઠાના અગર સુધી જઈ રહી છે. તેની પાછળ સુબા પણ જઈ રહી છે. સુબા અનુસૂચિત ગણાતી જાતિની છે અને તેમને એકબીજા સાથે રમવાની છૂટ નથી. જાે કે, ફિલ્મમાં આગળ જતાં તેમની દોસ્તી જ વાર્તામાં સમાજનાં એક પછી એક “પાંચિકા” ઉછાળતી જાય છે.