નવસારી,તા.૧૫
દરેક વ્યક્તિને પોતાના સમાજ અને સંસ્કૃતિનું ગૌરવ હોવું જાેઈએ. દરેક સમાજને પોતાના સમાજની સંસ્કૃતિનું ગૌરવ હોય છે, પરંતુ આધુનિક જમાનામાં પશ્ચિમની સંસ્કૃતિનું જાણે આકર્ષણ થતાં પોતિકી સંસ્કૃતિના અમલીકરણમાં જાણે ઓટ આવવા લાગી છે, અને વર્ષોની પરંપરાઓ સાથે જાેડાયેલી કલા કૌશલ્યો પણ નષ્ટ થવા લાગ્યા છે, ત્યારે ચીખલીના ખાંભડા ગામના પરિવારે લગ્ન પ્રસંગમાં ધોડિયા સમાજની સંસ્કૃતિના દર્શન કરાવાનો પ્રયાસ કર્યો હતો. આ પરિવાર સુશિક્ષિત છે. હાલમાં દીકરાના લગ્ન પ્રસંગ આવતા પોતાની સંસ્કૃતિને મહદઅંશે અનુસરવાનો નિર્ધાર કર્યો હતો અને લગ્નની કંકોત્રીમાં વારલી ચિત્રો મૂક્યાં હતા. સાદી કંકોત્રીમાં મુકાયેલા વારલી ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં હતા. આ સાથે આદિવાસી સંસ્કૃતિના કલા-કૌશલ્યોના પણ દર્શન થતાં હતાં. પ્રકૃતિ દેવોભવ તથા પ્રકૃતિ એજ જીવન છે. ચીખલી તાલુકાના નવદંપતી સુરેશકુમાર (રહે. ખાંભડા) અને દર્શનાકુમારી (રહે. સાદકપોર) બન્ને શિક્ષક છે. તેમણે સામાજીક રીતરિવાજ મુજબ લગ્ન કરવાની પહેલ કરી હતી. તેમને આદિવાસી સમાજ અને મહારૂઢિ ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈએ અભિનંદન પાઠવ્યા હતા. અન્ય નવયુવાઓ પણ આમાંથી પ્રેરણા લઈ રીતરિવાજ બાબતે આદિવાસી સમાજને આર્ત્મનિભર બનાવે તેમ નવદંપતીએ જણાવ્યું હતું. આધુનિકતાને આવકાર સંસ્કૃતિને સન્માન પરંપરાગત રીતરિવાજ મુજબ સમાજના જ ધર્મેશ ધોડિયા(રાનવેરીકલ્લા), કુંજનધોડિયા(મહુવા) દ્વારા વિધિ કરી લગ્ન કરાવવામાં આવ્યા હતા.
રીતરિવાજમાં માનવીને જીવાડનારી પ્રકૃતિ તત્ત્વો / કણી કનસરી (ધાન્ય – અનાજ)ને યાદ કરીને વિધિ કરવામાં આવી હતી. વરઘોડામાં તીર કમાન સાથે લાવવાનું કારણ આદિવાસીઓ તીર કમાનનો ઉપયોગ શરૂઆતમાં શિકાર કરવા અને પોતાનાં સ્વરક્ષણ માટે કરતા હતા. જયારે બંદુક, રાજાનાં સમયનો તોપગોળો, મિસાઈલ, ફાઈટર જેટ વિમાનો જે સામૂહિક માનવસંહારના સાધનો છે એ ધંધો અમે આદિવાસીઓએ કર્યો નથી. અમો આદિવાસીઓ જીવો અને જીવવા દોમાં માનનારી પ્રજા છીએ. આ પૃથ્વી પર દરેક જીવને જીવવાનો સરખો અધિકાર છે એ માન્યતા અમારી સંસ્કૃતિમાં છે. વરઘોડામાં બળદગાડાનો સમાવેશ એટલા માટે કર્યો કે અસલ અમો આદિવાસીઓ બળદગાડાંમાં જાન લઈ જતા એ રીવાજ જળવાય રહે. બળદ આપણો સાથી? મિત્ર કહેવાય માટે આપણા દરેક કામમાં ઉપયોગી થતા બળદોને આપણાં ઘરના શુભ પ્રસંગોમાં સામેલ કરવા જાેઈએ એ અમારો શુભ આશય છે.
નવસારી જિલ્લામાં આદિવાસી સમાજમાં પહેલીવાર પ્રાચીન રીતરિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. આદિવાસી સમાજના યુવાનો દ્વારા વિધિવિધાન કરી લગ્નવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. જેને રૂઢિગત મહાસભાના રમેશભાઈ પટેલનું માર્ગદર્શન મળ્યું હતું. તાજેતરમાં વ્યારામાં આવી જ રીતે એક યુગલના લગ્ન કરાવ્યા હોવાની માહિતી મળી છે.