અમિત પંડ્યા
અમદાવાદ,તા.૨૭
અબજીબાપા લેકવ્યું સોસાયટી પાસે બાઇક પર આવેલા શખ્સોએ સોસાયટીના ગેટ પર કરી તોડ ફોડ..
અમદાવાદ શહેરના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ અબજીબાપા લેકવ્યું સોસાયટી પાસે બાઇક પર આવેલા શખ્સોએ સોસાયટીના ગેટ પર તોડ ફોડ કરી હતી. ગત રાત્રિએ દશામાંનું જાગરણ હોવાથી રામોલ પોલીસ સ્ટેશનના મોટા ભાગના પોલીસ કર્મીઓ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા દશામાં જાગરણની વ્યવસ્થામાં લાગેલા હતા જેનો લાભ લઈ આવા નફ્ફટ નબીરાઓએ આવી અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે, ગત રાત્રિએ આશરે 8થી 10 અસમાજિક તત્વોએ “અબજીબાપા લેકવ્યુ સોસાયટી”ને બાનમાં લીધી હતી. બાઇક પર આવેલા શખ્સોએ સોસાયટીના ગેટ પર તોડ ફોડ કરી હતી અને સોસાયટીના ગેટ પરની ઓફીસના કાચ તોડી નાખ્યાં હતા. કાયદાના ડર વિના મોડી રાત્રે અબજીબાપા લેકવ્યુ વસાહતમાં દશેક જેટલા અસામાજિક તત્વોએ ભારે પત્થરમારો અને તોડફોડ કરી ભયનું વાતાવરણ ફેલાવીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર બનાવ સોસાયટીમાં લાગેલા સીસીટીવી (CCTV)માં કેદ થયું હતું. બીજી બાજુ સોસાયટીની બહારની મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
અસમાજિક તત્વો દ્વારા અચાનકથી સોસાયટી પર હુમલો થતા સોસાયટીના બાળકો અને મહિલાઓમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. સમગ્ર સોસાયટીના રહીશો ભયભીત થઈ સોસાયટીના પરિસરમાં આવી ગયા હતા. આ બનાવની જાણ પોલીસને કરતા રામોલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સીસીટીવીના ફૂટેજ મેળવી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ લેક વ્યુમાં રહેતા કૃણાલ પિઠડીયા નામના યુવાન વેપારી પાસે ખંડણીની માંગ કરવામાં આવી હતી. આ અગાઉ પણ આ વેપારી વસ્ત્રાપુર તેમજ પાલડી ખાતે જઈ રહ્યા હતા ત્યારે પણ તેમની ઉપર હુમલાઓ થયા હતા. જેની જાણ આ વેપારી ત્રણેય તાબાના પોલિસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ ચુકયા છે.
ઉલ્લેખનીય છે કે, એક બાજુ પોલીસવડા દ્વારા બેફામ બનેલા નફ્ફટ નબીરાઓ માટે રાત્રિના 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી સ્પેશિયલ ડ્રાઇવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેવામાં આવા નફ્ફટ નબીરાઓ કાયદાને ઘોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે. આવા અસમાજિક તત્વો પર પોલીસ ક્યારે લગામ લગાવશે..? તે જોવાનું રહેશે.