તમે ટ્રાફિક નિયમનો ભંગ કરો છો તો તેનું પાલન કરવા થઈ જાવ તૈયાર
અમદાવાદમાં સૌપ્રથમ પાંજરાપોળ ખાતે બોક્સ જંકશન બનાવવામાં આવ્યું છે.
અમદાવાદ,
શહેરનો વિસ્તાર અને વસ્તી બંને દિવસેને દિવસે વધી રહ્યા છે. જેની સાથે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. જે સમસ્યા લોકો અને તંત્ર માટે માથાનો દુખાવો છે. જેને પહોંચી વળવા માટે કોર્પોરેશન હોય કે, પછી ટ્રાફિક વિભાગ હોય સતત પ્રયાસ કરતું હોય છે. ત્યારે ટ્રાફિક જામ ધરાવતા જંકશન પર સમસ્યા હળવી કરવા અમદાવાદમાં વિદેશની જેમ બોક્સ જંકશન બનાવાયું છે. જાે તમે ટ્રાફિક નિયમનો ભંગ કરો છો તો તેનું પાલન કરવા થઈ જાવ તૈયાર કેમ કે, કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગે એક સંયુક્ત પ્રયાસ હાથ ધરી અમદાવાદમાં સૌપ્રથમ પાંજરાપોળ ખાતે બોક્સ જંકશન બનાવવામાં આવ્યું છે. વિદેશની જેમ અમદાવાદમાં સૌપ્રથમ આ બોક્સ જંકશન બનાવાયું છે. જેના થકી ટ્રાફિક નિયમનું પાલન થશે અને ટ્રાફિક જામની સમસ્યામાં ઘટડો થશે.
અમદાવાદમાં ઘણા એવા સર્કલ છે કે, જ્યાં ટ્રાફિક સર્જાતો હોય છે તેવા કેટલાક સર્કલોને આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ પાંજરાપોળ સર્કલ પર આ બોક્સ જંકશન બનાવવામાં આવ્યું છે. તેના સિવાય પાંજરાપોળ સહિત અમદાવાદમાં ૨૫ અલગ અલગ સ્થળ પર બોક્સ જંકશન બનાવાશે. બોક્સ જંકશનમાં ચાર રસ્તા પર પીળા કલરના બોક્સ પેટર્ન બનાવાય છે. જે બોક્સ જંકશન પર કોઈપણ વ્યક્તિ ઊભો નહીં રહી શકે. એટલે કે બોક્સ જંકશન પર ઉભા રહેવા પર પ્રતિબંધ રહેશે. તો જંકશનના ચારે રસ્તા આવરી લેવાય તે રીતે બોક્સ માર્કિંગ બનાવાય છે. જ્યાં ચાર રસ્તા ઉપર વાહનો સરળતાથી પસાર થઈ શકે. તેમજ જ્યારે સિગ્નલ બંધ થવા આવે ત્યારે વાહન ચાલક સિગ્નલ સુધી ઉભો ન રહે અને આગળ વધે તો તે બોક્સ જંકશન પર પણ ઉભો નહીં રહી શકે અને તેને પસાર થવું પડશે. ગ્રીન સિગ્નલ હશે તો પણ બોક્સ જંકશન પર ઊભા નહીં રહી શકાય અને પસાર થવું પડશે. એટલે કે જે વાહન ચાલકો સ્ટોપ લાઇન પાલન કરતા ન હતા તેઓએ હવે સ્ટોપ લાઈનની અંદર જ ઉભા રહેવું પડશે. જેનો મતલબ એ થાય છે કે, સ્ટોપ લાઈન તોડીને આગળ વધનારા વાહન ચાલકો પર અંકુશ લાવવાનો આ પ્રયાસ છે. ટ્રાફિક જંકશન પર ટ્રાફિક નિયમ કરવાનો આ પ્રયાસ છે.
અમદાવાદમાં જ્યાં સૌથી વધારે ટ્રાફિક રહેતો હોય છે તેવા સર્કલોની પસંદગી હાલ કરાઇ છે. જેમાં સૌપ્રથમ પાંજરાપોળ ખાતે બોક્સ જંકશન બનાવ્યું છે અને તબક્કાવાર અન્ય જંકશન પર બોક્સ માર્કિંગ જંકશન ઉભા કરાશે. જેથી કરીને ટ્રાફિકનું સંચાલન યોગ્ય રીતે કરી શકાય. તેમ છતાં પણ જાે લોકો તેનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે આગામી સમયમાં દંડનીય કાર્યવાહી પણ થઈ શકે છે.