અમદાવાદ,તા.૧૨
અમદાવાદમાં રવિવારે પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાર્કિંગમાં ઘૂસી ગયેલા પાણીને લઈ વાહનોમાં ભારે નુકસાન થયું છે. ત્યારે આજે પોતાના વાહનો રિપેર કરાવવા માટે ગેરેજોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઘણી ગેરેજમાં તો વેઈટિંગમાં લોકો પોતાનું વાહન લઈ ઉભા હતા.
અમદાવાદમાં વરસાદ બંધ થયાના 36 કલાક પછી પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. શહેરના ધરણીધરના ટેમ્પલ એવન્યુના બેઝમેન્ટમાં પાણી યથાવત હોવાથી તંત્ર તરફથી મદદ નહી મળતા હવે સ્થાનિકો જાતે જ પાણીનો નિકાલ કરી રહ્યા છે. વેજલપુરના શાંતિ સદન કોમ્પલેક્ષમાં દુકાનદારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મેઘતાંડવને પગલે મુખ્ય માર્ગો પર પાણી ભરાતા અનેક વાહનોચાલકોના બાઇક અધ્ધવચ્ચે બંધ થયા હતા જેને લઈને લોકોને ધક્કા મારવાની નોબત આવી હતી. આમ વરસાદને લઈને લોકોને હેરાનગતિનો કોઇ પાર રહ્યો ન હતો.
ત્યારબાદ હાલ પાણીની સ્થિતિ ઠાળે પડતાં શહેરમાં ગેરેજમાં વાહન સર્વિસ માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ફ્લેટના બેઝમેંટમાં વાહનો પાણીમાં ડૂબતા ભારે નુકસાન થયું હતું. જે તમામ સર્વિસ અર્થે આવતા ગેરેજ સંચાલકોને તગડી કમાણી થઇ રહી છે. આથી ગેરેજ સંચાલકોને દિવાળી જેવો માહોલ જામ્યો છે.