અમદાવાદ,તા.૫
શહેરમાં છેલ્લા બે દિવસથી મોડી રાત્રે વીજળીના ચમકારા સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે નાના જીવજંતુઓ બહાર નીકળતા હોય છે. એવામાં તેમનો શિકાર કરનારા સરીસૃપો પણ બહાર નીકળી રહ્યા છે.
આજે સવારે દિલ્હી ચકલા વિસ્તારમાં રણછોડજીના મંદિર પાસે એક ભાઈ એક્ટિવા લઈને નીકળી રહ્યા હતા ત્યારે એક્ટિવાની આગળના ભાગમાં સાપ ફરતો જાેવા મળતા તેઓ ગભરાઈ ગયા હતા તથા એકટીવા રસ્તા પર મૂકીને ભાગદોડ મચી ગઇ હતી. વાહનમાં સાપ જાેવા મળતા જ તાત્કાલિક એનિમલ લાઈફ કેરને જાણ કરવામાં આવી હતી. જેથી વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ વિજય ડાભી સ્થળ પર પહોંચી બે કલાકની જહેમત બાદ એક્ટિવામાંથી ફ્રન્ટલાઈટના પાછળના ભાગમાંથી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ રેસ્ક્યુ કરાયેલ સાપ વુરુદંતી તરીકે ઓળખવામાં આવે છે. જે બે ફૂટનો સાપ હતો. આ સાપ ખૂબ જ ચંચળ હોય છે અને તેનો મુખ્ય ખોરાક દેડકા, વંદા, ગરોળી અને પક્ષીના ઈંડાં છે. ગત રાત્રે વરસાદ આવ્યો તેના કારણે સાપ બહાર નીકળ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે.