કામ બાબતે માતા દ્વારા સગીર દીકરીને ઠપકો આપતા દીકરી પહોંચી પોલીસ મથકે
અમદાવાદ,તા.૦૩
અમદાવાદનો એક કિસ્સો બહુ જ ચર્ચામાં આવ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં એક પરિવાર રહે છે. આ પરિવારમાં ૧૭ વર્ષની સગીર દીકરી છે. સોમવારે બપોરે તેની માતા કિચનમાં વાસણ ધોવાનું કામ કરી રહી હતી, ત્યાં તેમણે પોતાની દીકરી પાસેથી એક ડિશ ધોવા માટે માંગી હતી. આથી દીકરી ગુસ્સે ભરાઈ હતી. તેણે જવાબ આપ્યો કે, હાલ હું ચા પીવું છું, તો તુ જાતે લઈ લે.
આ બાદ માતાએ તેને કહ્યું કે, બેટા મારે વાસણ ધોવાઈ ગયા છે, તો તુ મને એક ડિશ આપે તો મારું કામ પતી જાય. આ સાંભળીને સગીર દીકરી ગુસ્સે ભરાઈ હતી. તેણે આક્રોશમાં આવીને માતાને જવાબ આપ્યો કે, તારે ડિશ લેવી હોય તો લઈ લે, નહિ તો રાહ જાે. આ બાદ માતાએ તેને ઠપકો આપ્યો હતો. બંને વચ્ચે ઉગ્ર દલીલ થતા માતાએ સગીર દીકરીને લાફો માર્યો હતો. જાે કે, આ વાતનું ઉલટુ પરિણામ આવ્યુ હતુ. ગુસ્સે ભરાયેલી સગીર દીકરી સીધી પોલીસ સ્ટેશન પહોંચી હતી. ૧૭ વર્ષીય સગીર દીકરીએ પોતાની માતા સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, માતાએ માર મારતા સંતાને ફરિયાદ દાખલ કરી હોય તેવો અમદાવાદનો આ પ્રથમ કિસ્સો છે. પરંતુ હાલ આ કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો છે.