ધાકધમકી આપી સમાજમાં બદનામ કરી દેવાની વાત કહી રૂા.૧ કરોડ આપવાનું કબુલ કરાયું હતું.
આ ટોળકી ભાવનગર અને આજુબાજુના વિસ્તારના ૫૦થી વધુ લોકોને (હની ટ્રેપમાં) ફસાવી બ્લેકમેઈલીંગ કરતી હોવાની ચર્ચા છે.
ભાવનગર,
હનીટ્રેપમાં અમદાવાદની કાજલ પટેલ નામની યુવતીએ ગત ૨૫ માર્ચના રોજ ડોકટરને વોટ્સએપ પર મેસેજ મોકલાવી પોતાની માયાજાળ શરૂ કરી હતી અને આ મેસેજનો જવાબ આપ્યા બાદ ધીરે ધીરે ચેટીંગ દ્વારા મિત્રતા કેળવ્યા બાદ ફોટાઓની આપ-લે કરી હતી અને તેનો ઉપયોગ કરી 2 મીનીટ 52 સેકન્ડની એક કલીપ બનાવી હતી. વિડીઓ બતાવી ડોકટર પાસે રૂા.૫ લાખની માંગણી કરવામાં આવી હતી અને ૫૦,૦૦૦ રૂા.આપતા સમાધાન થયું હતું.
તેના ૨ મહિના બાદ ફરીથી રૂા.૨ લાખની માંગણી કાજલ દ્વારા કરવામાં આવી હતી. તળાજા તાલુકાના બોરડા ગામના સરપંચ રાજુ ભમ્મરે ડોકટરને બોલાવી તેનો એક વિડીયો બતાવ્યો હતો. અને તેના આધારે રૂા.૫ કરોડની માંગણી કરવામાં આવી હતી. આ વિડીયો ડોકટર યુવતીને મળવા સુરત ગયા હતા ત્યારે ઉતારેલો હોવાનું રાજુ ભમ્મરે જણાવેલું હતું. આટલા બધા પૈસા આપવાની ડોકટરે ના પાડતા રાજુ ભમંર, વિજય ભરવાડ, ખીમજી ભરવાડ અને દાનો ભરવાડ ડોકટરને લઈ બોરડા ગામે ગયા હતા. જ્યાં તેને ધાકધમકી આપી સમાજમાં બદનામ કરી દેવાની વાત કહી રૂા.૧ કરોડ આપવાનું કબુલ કરાયું હતું.
પૈસાની વ્યવસ્થા માટે જાઉ છું તેમ કહી ભાવનગર આવી ડોકટરે પોતાના મિત્ર વર્તુળમાં આ વાત કરતા પુરાવા એકત્ર કરવાનું નક્કી કરાયું હતું અને ત્યારબાદ આવેલા ફોનનું રેકોર્ડીંગ કરી એએસપી સહિત બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે ખંડણી માંગનાર અમદાવાદની યુવતી કાજલ પટેલ સહિત બે લોકોને ઝડપી લીધા છે. પણ બનાવના માસ્ટર માઈન્ડ ગણાતા રાજુ ભમ્મરને પોલીસ ઝડપી શકી નથી. આ બનાવમાં આ ટોળકી ભાવનગર અને આજુબાજુના વિસ્તારના ૫૦થી વધુ લોકોને (હની ટ્રેપમાં) ફસાવી બ્લેકમેઈલીંગ કરતી હોવાની ચર્ચા છે ત્યારે ફરાર તમામ તોહમતદારોને પોલીસ ઝડપી લે તેવી લોકલાગણી છે.
બોરડાના સરપંચ રાજુ ભંમર અગાઉ મની લોન્ડરીંગ અને નાસીક તથા મહુવાના કોઈ છેતરપિંડીના કેસમાં પણ સંડોવાયો હતો તેવી માહિતી પોલીસને મળતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. આ ફરાર શખ્સો હરીદ્વાર તરફ નાસી ગયા હોવાનું અને ચાર દિવસ બાદ કોઈ મોટુ માથુ તેમને હાજર કરાવનાર હોવાનું ચર્ચાય છે. કાજલ પટેલ ચકચારી ભાનુસાલી કેસમાં સંડોવાયેલી મનાતી મનીષા ગોસ્વામીની નિકટની મિત્ર હોવાનું પોલીસ માની રહી છે. પોલીસની પૂછપરછમાં અનેક નામની-અનામી વ્યક્તિઓના વિડીયો પોતાની પાસે હોવાનું કાજલે જણાવ્યું છે તેવી વાત વહેતી થતા અનેક લોકો ચિંતામાં મુકાયા છે. રાજુ ભંમર ઉપરાંત શામ્પુ ભંમરનું નામ પણ કાજલે પોલીસને આપેલ હોવાનું જાણવા મળેલ છે.
શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતા એક ડોકટર સાથે અમદાવાદની યુવતિએ વ્હોટ્સએપના માધ્યમથી દોસ્તી કેળવી તેને હનીટ્રેપમાં ફસાવી રૂા.૨ કરોડની ખંડણી માંગી હતી. આ બનાવમાં મુખ્ય સુત્રધાર ગણાતા તળાજા તાલુકાના બોરડા ગામના સરપંચ રાજુ ભંમરની ધરપકડ કરવામાં આવે તો આ ગેંગ દ્વારા ભાવનગરના અંદાજે ૫૦થી વધુ લોકોને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઈલીંગ કરવામાં આવી રહ્યા છે તેનો પર્દાફાશ થાય તેમ છે. તેમ આ કેસ સાથે સંકળાયેલ એક શખ્સે જણાવ્યું હતું.