૧૮ લોકો વાનરનો શિકાર બન્યા
અમદાવાદ,તા.૧૪
અમદાવાદના રિલીફ રોડ, ખાડિયા અને ઘી કાંટા વિસ્તારમાં રહેતા લોકો અને વેપારીઓ છેલ્લા ૧૦ દિવસથી હુમલાખોર વાનરના ત્રાસથી હેરાન થઈ ગયા છે. દરરોજ એક વ્યક્તિ આ વાનરના હુમલાનો શિકાર બની રહ્યો છે. વન વિભાગની ટીમને આ મામલે જાણ કરવામાં આવી છે. પરંતુ વન વિભાગની ટીમ આ વાનરને પકડવામાં નિષ્ફળ રહી છે. આજે સવારે પણ એક દુકાનદાર પર હુમલો કરી વાનર નાસી ગયો હતો. સ્થાનિકોએ વાનરને ટ્રેક કરી ઝાડ પર બેસી જતાં તેને ઓળખવા માટે તેના પર કલર નાખી દીધો હતો. જેથી હુમલાખોર વાનર ઓળખાય અને તેને ઝડપથી પકડી શકાય.
ખાડિયા વોર્ડમાં ઘી કાંટા ચાર રસ્તા, રૂપમ સિનેમા, અશોક સિનેમા, બ્રહ્મચારીની વાડી, રિલીફ રોડની આસપાસમાં એક વાનરે આંતક મચાવ્યો છે. છેલ્લા ૧૦ દિવસથી એક મોટો વાનર વિસ્તારમાં ૧૦થી વધુ લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કરી ચૂક્યો છે. જેના કારણે ખાડિયા, રિલીફ રોડ અને ઘી કાંટા વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ભય ફેલાયો છે. વન વિભાગની ટીમ આવે છે પરંતુ હુમલાખોર વાનરને ટ્રેક કરવામાં નિષ્ફળ રહી છે. જેથી લોકોમાં પણ વનવિભાગ પ્રત્યે ભારે રોષ ફેલાયો છે.
વાનરે આજે બુધવારના દિવસે એક દુકાનદાર પર હુમલો કર્યો હતો. દુકાનદારે કહ્યું કે, “વાનરને ઓળખવા તેના પર અત્યારે અમે કલર નાખી દીધો છે. મારા પિતા પર પણ વાનરે હુમલો કરી અને બચકાં ભરતા સિવિલ હોસ્પિટલમાં લઈ જવા પડ્યા છે. ચાર પાંચ દિવસ પહેલા એક સફાઈ કામદારને પણ વાનરે પાછળથી હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. ૧૮થી વધુ લોકો અત્યાર સુધીમાં વાનરના હુમલાનો ભોગ બની ચૂક્યા છે. જેથી વાનરને ઝડપથી નહીં પકડવામાં આવે તો વધુ લોકો વાનરના હુમલાનો ભોગ બની શકે છે.”