અમદાવાદના રામોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી, સગીરાના પિતાએ યુવક સામે ફરિયાદ નોંધાવી
સગીર યુવતી સાથે બે મહિનામાં છ વખત દુષ્કર્મ ગુજાર્યું, યુવકે પોતાના અને મિત્રના ઘરે સગીરાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું.
અમદાવાદ શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે તેવામાં શહેરના રામોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. રામોલનાં સીટીએમ વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની સામેની દુકાનમાં જ કામ કરતો એક યુવક દ્વારા એક કે બે વખત નહિ પણ છેલ્લા બે મહિનામાં છ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.
સગીરાના પિતા કામ ધંધે ગયા હતા અને બપોરના સમયે પરિવારમાં બધા સુતા હતા તે સમયે સગીરા તેના ઘરે હતી નહિ. જોકે પરિવારજનોએ આસપાસ અને સગા સબંધીઓ પાસે તપાસ કરતા સગીરા મળી નહિ અને સગીરાના પિતાએ રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસની તપાસમાં સગીરા એક યુવક સાથે મળી આવી હતી.
સગીરાએ જણાવ્યું હતું કે, તેના ઘરની સામે કામ કરતો યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું છે. છેલ્લા બે મહિનામાં યુવકે તેના ઘરે આ ઉપરાંત તેના મિત્રના ઘરે સગીરાને લઇ જઇને દુષ્કર્મ કર્યું હતું. જોકે સમગ્ર મામલે રામોલ પોલીસ આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ સગીરા સાથે બે મહિનામાં છ વખત દુષ્કર્મ કર્યું તે ઉપરાંત અગાઉ પણ આ રીતે આ સગીરા સાથે અથવા અન્ય કોઈ સગીરાને પોતાના હવસનો શિકાર બનાવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.