અમદાવાદ,
શહેરના પાલડી પોલીસ સ્ટેશનના લોકરમાંથી રિવોલ્વર કાઢીને એક પોલીસકર્મીએ જાતે ગોળી મારીને આપઘાત કરી લેતાં પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ સમગ્ર બનાવને કારણે પોલીસબેડામાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. હજી સુધી આ કેસમાં મૃતકની કોઈ સુસાઈડ નોટ મળી નથી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં તાજેતરમાં નવા બનેલા પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એકાઉન્ટ રાઈટર હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ સવારે સાડા નવ વાગ્યે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયાં હતાં. તેઓ સામાન્ય રીતે રોજ સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશનમાં આવતાં હોય છે. પરંતું આજે સવારે પોલીસ સ્ટેશનમાં આવીને અન્ય સ્ટાફ બીજી તપાસમાં વ્યસ્ત હતો તે સમયે ઉમેશ હથિયારો જ્યાં પડ્યા હોય છે તે જગ્યાએ પહોંચી ગયો હતો. ઉમેશ પાસે હથિયારોના લોકરની ચાવી હતી. આ લોકરની જગ્યાએ આવીને લોકરમાંથી ઉમેશે રિવોલ્વર કાઢીને પોતાની જાતને જ ગોળી મારી દીધી હતી. આ વાતની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવના સ્થળે પહોંચી ગયાં હતાં. અધિકારીઓએ 108 ઈમરજન્સીની મદદ લીધી હતી પરંતુ ઉમેશનું સારવાર પહેલાં જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવમાં હજી સુધી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી તેમજ ચોક્કસ કારણ પણ મળ્યું નથી.