મુંબઈ,
બૉલિવૂડ અભિનેત્રી કંગના રણોતે પોતાના પાસપૉર્ટ રિન્યૂઅલની માગ કરતા બૉમ્બે હાઇકૉર્ટ તરફ પડખું કર્યું છે. તેણે કૉર્ટમાં અરજી કરતા કહ્યું કે બાન્દ્રા પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ ટ્વીટ અને દેશદ્રોહ માટે નોંધાયેલી એફઆઇઆરને કારણે પાસપૉર્ટ ઑથૉરિટી આ અંગે વાંધો ઉઠાવી રહ્યા છે. આ મામલે તેમની બહેન રંગોલી ચંદેલ પણ આરોપી છે. કંગનાએ પોતાની અરજીમાં લખ્યું છે કે, તે એક અભિનેત્રી છે, તેથી તેને પ્રૉફેશનલ મીટિંગ માટે દેશ સિવાય ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવાનું હોય છે. કંગનાએ માહિતી આપી છે કે તેણે એક ફિલ્મનું શૂટિંગ કરવાનું છે જેમાં તેનો લીડ રોલ છે. જેની માટે તેણે 15 જૂનથી ઑગસ્ટ 2021 સુધી બુડાપેસ્ટનો પ્રવાસ કરવાનો છે.
અભિનેત્રીએ પોતાની અરજીમાં લખ્યું છે કે તેનો પાસપૉર્ટ સપ્ટેમ્બર 2021માં એક્સ્પાયર થઈ જશે. જેને કારણે તેને તેનો પાસપૉર્ટ રિન્યૂ કરાવવો છે. પણ તેના વિરુદ્ધ દેશદ્રોહના કેસને કારણે તેની મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. જો કે, અત્યાર સુધી હાઇકૉર્ટ તરફથી આના પર કોઇ જવાબ નથી આવ્યો કે અભિનેત્રીનો પાસપૉર્ટ રિન્યૂ કરવો જોઇએ કે નહીં.
જણાવવાનું કે બૉલિવૂડ અભિનેત્રી કંગના રણોત પોતાની બેબાક ટિપ્પણીઓને કારણે હંમેશાં ચર્ચામાં જળવાઇ રહે છે. કંગનાએ તાજેતરમાં જ બંગાળ ચૂંટણી પછી ભડકેલા દંગા પર અનેક ટ્વીટ કર્યા. આ સિવાય તેણે મમતા બેનર્જી પર પણ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો. જેના પછી તેના વિરુદ્ધ એક્શન લેવામાં આવી અને તેનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું.