જામનગર,તા.૭
છેલ્લાં ઘણાં સમયથી જામનગરની જાણીતી સંસ્થા લાખોટા નેચર ક્લબ ફ્રી સાપ બચાવની કામગીરી, ઘાયલ પક્ષીઓ બચાવવા અને તેની સારવાર, વૃક્ષારોપણ કરવું તેમજ પ્રકૃતિ સંરક્ષણ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે. આ સંસ્થામાં છેલ્લા ઘણા સમયથી સેવા આપતા પકૃતિ પ્રેમી ડો. અરુણ કુમાર રવિને જામનગરના એરફોર્સ-૨ રહેણાંક વિસ્તારમાંથી ઘરમાં સાપ હોઇ સાપને પકડવા માટે ફોન આવતા તરત જ ત્યાં પહોંચી રહેણાંક વિસ્તારમાંથી ઘઉંલો પ્રજાતિના સાપને પકડી તેની બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ આ સાપને લાખોટા નેચર કલબ સંસ્થામાં રાખવામાં આવતા જણાયું હતું કે આ સાપે ૨૧ જેટલા ઈંડા મૂક્યા હતા. જેથી સંસ્થામાં પ્રકૃતિ પ્રેમી અરુણ કુમાર, રજત ભાઈ, તેમજ સુરજભાઈ જાેશી દ્વારા આ ઈંડાંને સાચવી રાખ્યા હતા. ત્યારબાદ આ ઈંડાને ૫૬ દિવસ સુધી જરૂરી વાતાવરણ તેમજ તાપમાન સાથે ઉછરવા માટે રાખવામાં આવ્યા હતા.
૫૬ દિવસની મહેનત અને જહેમત બાદ તેમજ રોજબરોજની વૈજ્ઞાનિક જાળવણી બાદ આ દરેક ઈંડામાંથી બચ્ચાઓને જન્મ આપવામાં સફળતા મળી હતી. જેમાંથી ૧૭ ઈંડામાંથી સફળતાપૂર્વક સાપના બચ્ચાંઓ બહાર આવ્યા હતા, તેમજ ૪ ઈંડામાંથી કોઈ કારણોસર બચ્ચાં નીકળી શક્યા ન હતા. ત્યારબાદ નવા જન્મેલા ૧૭ બચ્ચાઓને વન વિભાગની મદદથી પ્રકૃતિના ખોળે ફરીથી છોડી મુકવામાં આવ્યા હતા.