Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

અજરખપુરની શાળામાં યુનિફોર્મ પણ અજરખનું : વિદ્યાર્થીઓ ગર્વથી પહેરે છે પોતાની પરંપરાગત કળા

અહીંના યુવા કારીગરોએ પરંપરાગત અજરખ હસ્તકળાની અલગ અલગ થીમ તૈયાર કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવીને ગામને નામના તો અપાવી સાથે સાથે વિશ્વ પ્રવાસન ક્ષેત્રે અજરખપુર ભુજ તાલુકાનું એક ધમધમતું ગામ બન્યું

અજરખ બ્લોક પ્રિન્ટ માટે વિશ્વવિખ્યાત બનેલા અજરખપુર ગામની પ્રાથમિક શાળામાં આ વર્ષથી યુનિફોર્મ પણ અજરખ પ્રિન્ટનું લાગુ કરવામાં આવતા વિદ્યાર્થીઓ કળા કરિગરીથી ભરપૂર ગણવેશ પહેરી ગર્વ અનુભવે છે. વૈવિધ્યસભર કચ્છની હસ્તકળા આજે વિશ્વવિખ્યાત બની છે તે પાછળ સદીઓનો ઇતિહાસ જોડાયેલો છે. સૌને માત આપી આજે વિશ્વવિખ્યાત બનેલી જો કોઈ હસ્તકળાની વાત કરીએ તો કચ્છની અજરખ બ્લોક પ્રિન્ટનું નામ સૌથી પહેલા મોઢા પર આવે.

આ કળાને સાચવી તેને વિકસાવી આ ખત્રી કારીગરોએ પોતાના અજરખપૂર ગામને વિશ્વના નકશા પર મૂક્યું છે. દેશ વિદેશથી અહીં લોકો આ કળાને નિહાળવા પહોંચે છે ત્યારે હવે અહીંની સરકારી પ્રાથમિક શાળા પણ કળાના રસિયાઓ માટે એક રસનું સ્થળ બની રહેશે. ગામની પ્રાથમિક શાળામાં આ વર્ષથી વિદ્યાર્થીઓનું શાળા ગણવેશ અજરખ પ્રિન્ટ વડે બનાવેલો હોતાં હવે વિદ્યાર્થીઓ પણ ગામના નામ અને કામ મુજબ આકર્ષક યુનિફોર્મ સાથે જોવા મળે છે. મૂળ પાકિસ્તાનના સિંઘ અને ત્યારબાદ કચ્છના ધમડકા ખાતે આવીને નેચરલ ડાઈનું કામ કરતા ખત્રી પરિવારોએ ભૂકંપ બાદ ભુજ ભચાઉ મહામાર્ગ પર એક ગામ વસાવ્યું અને તેને નામ આપ્યું અજરખપુર.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *