સ્ટોકહોમ,
WHOએ બે જુદી જુદી કોરોના રસી લેવા અંગે સારા સમાચાર આપ્યા છે. WHOનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું છે કે, બે જુદી જુદી કંપનીઓની રસી લેતા તે કોરોના વેરિયન્ટ સામે અસરકારક રીતે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આ નવીનતમ સંશોધનથી એવા દેશો માટે દરવાજા ખુલી ગયા છે કે જેઓ તેમના નાગરિકોને બીજો ડોઝ આપવા માટે કોરોના રસીની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે હવે આવા દેશો રસીકરણ માટે અન્ય રસીનો ઉપયોગ કરી શકશે. અગાઉ, ઘણા વૈજ્ઞાનિકોએ સૂચવ્યું હતું કે કોરોના વેરિયન્ટનો સામનો કરવા માટે બે જુદી જુદી કંપનીઓની કોરોના રસીઓ લઈ શકાય છે. જેથી વેરિયન્ટ સામે લાંબા સમય સુધી સુરક્ષા મળશે અને ઈમ્યુનિટી પણ રહેશે. જો કે, તેમણે ચેતવણી આપી છે કે બ્રિટન, સ્પેન અને જર્મનીના ડેટા દર્શાવે છે કે દર્દીઓ બે જુદી જુદી રસી લીધા પછી વધારે પીડા, તાવ અને અન્ય આડઅસરનો અનુભવ કરી રહ્યા છે.
WHOના વૈજ્ઞાનિકે એમ પણ કહ્યું હતું કે બે જુદી જુદી કંપનીઓની રસી ઓવર-રિસ્પોન્સિવ ઈમ્યુન સિસ્ટમ બનાવી રહી છે, જેનાથી એન્ટિબોડીઝ અને વ્હાઈટ બ્લડ સેલ્સ બની રહ્યા છે, જે વાયરસથી અસરગ્રસ્ત કોષોને મારી નાખે છે. દરમિયાન વિશ્વના ઘણા દેશોમાં રસીકરણ ઝડપથી વધારવા માટે બે અલગ અલગ રસીઓ લાગુ કરવા માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મલેશિયામાં કોવિશીલ્ડ અને ફાઈઝરની રસી મુકવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે.
જ્યારે કેટલાક અન્ય દેશોના અધિકારીઓ અને ફાર્મા કંપનીઓએ કોરોના વાયરસના પ્રકારો માટે બૂસ્ટર શોટ તૈયાર કરવાનું શરૂ કર્યું છે. જો કે, હમણાં આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે હવે તેની જરૂર પડશે કે નહીં તે કહેવું ખૂબ જ વહેલું છે. સ્વામિનાથને કહ્યું કે અમને હજી આ વિશે કોઈ માહિતી નથી. તેમણે કહ્યું કે આ પગલું હજી અપરિપક્વ છે કારણ કે ઘણા દેશોમાં કોરોના રસી હજી સુધી લાગી નથી. આ અગાઉ બ્રિટને કહ્યું હતું કે, રોગચાળાના ફેલાવાને રોકવા માટે બ્રિટનમાં શરદી પહેલાં કોરોના રસીનો બૂસ્ટર શોટ લાગુ કરવામાં આવશે.