WHOએ કોરોનાથી ભારતમાં મોતના જાહેર કરેલ આંકડાને તમામ રાજ્યોના આરોગ્યમંત્રીઓએ બહીષ્કાર કર્યો – ઋષિકેશ પટેલ
એકજૂથ થઇને કરવામાં આવેલ બહિષ્કાર દર્શાવે છે કે “દેશ માટે અમે સૌ એક છીએ”.
WHO દ્વારા જાહેર કરવામાં આવેલા ભારતના કોવિડ મોતના આંકડાઓને લઈને કોંગ્રેસ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાત સામે સરકારને વળતર આપવાની માંગણી કરી રહી છે ત્યારે બીજી બાજુ ભારતે આ આંકડા તથ્ય વગરના ગણાવ્યા છે. આ અંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, તમામ રાજ્યના આરોગ્ય મંત્રીઓ દ્વારા એકજૂથ થઇને બહિષ્કાર કરાયો છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર જણાવ્યું હતું કે, WHOએ કોરોનાથી ભારતમાં મોતના જાહેર કરેલ આંકડા સંદર્ભે રીપોર્ટનું દેશના તમામ રાજ્યોના આરોગ્યમંત્રીઓ દ્વારા એકજૂથ થઇને કરવામાં આવેલ બહિષ્કાર દર્શાવે છે કે “દેશ માટે અમે સૌ એક છીએ”. તેમણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં પધારેલા દેશના વિવિધ રાજ્યોના આરોગ્યમંત્રીશ્રીઓ, સચિવો, તબીબી તજજ્ઞોનો
પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતાનગરના સાંનિધ્યમાં મળેલી આરોગ્ય ચિંતન શિબિર દ્વારા દેશના તમામ રાજ્યો એકજૂથ થઇને “આરોગ્ય પરિવારની” જેમ કાર્ય કરીને સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણની દિશામાં કાર્ય કરશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. સ્વાસ્થ્ય ચિંતન શિબિરના સમાપન સત્રમાં વિવિધ રાજ્યોમાંથી પધારેલા આરોગ્યમંત્રીઓ અને આરોગ્ય સચિવોએ ગુજરાત સરકારના આયોજન અને આતિથ્યની પ્રશંસા કરી હતી.