(એચ.એસ.એલ),ભોપાલ,તા.૩૦
એક તરફ વક્ફ બોર્ડ સંશોધન બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. જેને લઈને દેશભરમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લગાવવામાં આવેલા પોસ્ટરને કારણે નવો હોબાળો શરૂ થયો છે.
આ પોસ્ટર જૂના વિધાનસભા ભવન સામે લગાવવામાં આવ્યું છે જે હવે કુશાભાઉ ઠાકરે કન્વેન્શન હોલમાં ફેરવાઈ ગયું છે. આ પોસ્ટર પર લખ્યું છે કે, ‘વક્ફ બોર્ડ હટાવો, ભારત બચાવો’ આ પોસ્ટરની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે.
માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આ પોસ્ટરને હટાવી લીધું હતું. જાે કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ પોસ્ટર કોણે અને ક્યારે લગાવ્યું છે. મામલો અરેરા હિલ્સ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે સવારે માહિતી મળી હતી કે, મિન્ટો હોલની બહાર કોઈએ વાંધાજનક બેનર લગાવ્યું છે. આ બેનર પર કોઈ સંસ્થાનું નામ નથી, પરંતુ તેના પર લખેલ સંદેશ છે, ‘વક્ફ બોર્ડ હટાવો – ભારત બચાવો’. આ પોસ્ટરની માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોસ્ટરને હટાવી લીધું હતું.
આ પહેલા પણ ઘણા લોકોએ આ પોસ્ટરના ફોટા અને વીડિયો લીધા હતા અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. થોડી જ વારમાં આ ફોટો અને વીડિયો વાયરલ થવા લાગ્યા. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ મુદ્દે ટિપ્પણી કરવાનું પણ શરૂ કર્યું છે. અરેરા હિલ્સ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મનોજ પટવાના જણાવ્યા અનુસાર, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ પોસ્ટર કોણે અને ક્યારે લગાવ્યું છે. હાલ પોલીસ પોસ્ટર લગાવનાર વ્યક્તિને ઓળખવામાં અને તેને શોધવામાં વ્યસ્ત છે. આ માટે અહીં લગાવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.
ભોપાલમાં આ પ્રકારનું પોસ્ટર લગાવવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. વાસ્તવમાં ભોપાલમાં હાલ પોસ્ટર વોર ચાલી રહ્યું છે. જાે કે, અત્યાર સુધી માત્ર સનાતન ધર્મ સંબંધિત પોસ્ટરો જ પ્રદર્શિત કરવામાં આવતા હતા. દિવાળી પહેલા હિન્દુ સંગઠનોએ સનાતન ધર્મના અનુયાયીઓને હિંદુ દુકાનદારો પાસેથી જ સામાન ખરીદવાની અપીલ કરતા પોસ્ટરો લગાવ્યા હતા. હવે પહેલીવાર વકફ બોર્ડને લઈને સીધા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.