Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

યુક્રેન શસ્ત્રો વિના રશિયા સામે લાચાર બની રહ્યું છે

રિપબ્લિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર માઈક જાેન્સન યુક્રેનને ૬૦ બિલિયન ડોલરની સહાય પૂરી પાડતા બિલ પર મત આપવાનો ઇનકાર કરી રહ્યા છે.

યુક્રેન,તા.૧૨
રશિયા અને યુક્રેન વચ્ચે ૨ વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આટલા દિવસોના આ યુદ્ધમાં ન તો ઝેલેન્સકીની હાર થઈ છે અને ન તો પુતિન જીતી શક્યા છે, તેમ છતાં બંને દેશો વચ્ચે લડાઈ ચાલુ છે. પરંતુ હવે આ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે કારણ કે, હવે યુક્રેન હથિયારો વિના રશિયા સામે લાચાર બની રહ્યું છે.

યુક્રેનમાં શસ્ત્રોનો ભંડાર ખતમ થવા જઈ રહ્યો છે અને અમેરિકા તેને મદદ કરવા સક્ષમ નથી. અમેરિકન સેનાપતિઓ દાવો કરે છે કે, થોડા અઠવાડિયા પછી યુક્રેન વળતો હુમલો કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ જશે. યુરોપમાં અમેરિકાના ટોચના જનરલ ક્રિસ્ટોફર કેવોલીએ દાવો કર્યો છે કે, અમેરિકન સમર્થન વિના યુક્રેનના હથિયારોના ગોદામો થોડા દિવસોમાં ખાલી થઈ જશે. આ કારણોસર યુક્રેન યુદ્ધમાં રશિયાનો સામનો કરી શકશે નહીં. આવી સ્થિતિમાં તેને સંપૂર્ણ હારનો ખતરો છે.

યુરોપિયન કમાન્ડના કમાન્ડર જનરલ કેવોલીએ હાઉસ આર્મ્ડ સર્વિસીસ કમિટીને જણાવ્યું હતું કે, યુક્રેનને હથિયારના કારણે જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે, આગામી થોડા અઠવાડિયામાં યુક્રેન રશિયાના ૧૦ હુમલાના જવાબમાં માત્ર એક જ હુમલો કરી શકશે કારણ કે, તેની પાસે હથિયારો નહીં હોય. આવી સ્થિતિમાં તેને અમેરિકાની મદદની ખૂબ જરૂર છે, પરંતુ યુક્રેનને લગતા નિર્ણયો અમેરિકામાં અટવાયેલા છે. વાસ્તવમાં યુક્રેનને મદદ પૂરી પાડવા માટે યુએસ કોંગ્રેસની સંમતિ જરૂરી છે. આ વિના અમેરિકા યુક્રેનને મદદ કરી શકે તેમ નથી. આ માટે, એક પ્રસ્તાવ પસાર કરવામાં આવે છે અને તેના પર મતદાન કરવામાં આવે છે. પ્રસ્તાવ પસાર થયા બાદ જ યુક્રેનને સહાય આપવામાં આવે છે.

રિપબ્લિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર માઈક જાેન્સન યુક્રેનને ૬૦ બિલિયન ડોલરની સહાય પૂરી પાડતા બિલ પર મત આપવાનો ઇનકાર કરી રહ્યા છે. જાે કે, વ્હાઇટ હાઉસ કિવને સહાય મોકલવાના માર્ગો શોધવામાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે, જમીન પર ભારે ગોળીબાર થઈ રહ્યો છે. રશિયન ટાંકીઓ આગનો વરસાદ કરી રહી છે. આર્ટિલરી દ્વારા શહેરોનો નાશ કરવામાં આવી રહ્યો છે. પરંતુ યુક્રેનની સેના મૌન છે. યુક્રેનની આર્ટિલરી મૌન છે. ટાંકીમાંથી સૈનિકો ગાયબ છે કારણ કે, તે દારૂગોળો ખતમ છે. યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલીમાં મિસાઈલ, ૧૨૨ એમએમના શેલ અને એસોલ્ટ રાઈફલ્સ માટેની બુલેટ્‌સ ખતમ થઈ ગઈ છે. એવા અહેવાલો છે કે, યુક્રેનની સેનાને રેશનિંગ દ્વારા ટકી રહેવાનું છે. જ્યારે એકદમ જરૂરી હોય ત્યારે જ શેલ છોડવામાં આવે છે.

રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, રશિયા દ્વારા પ્રત્યેક ૧૦ હુમલા પાછળ એક વળતો હુમલો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે યુક્રેનના સૈનિકો માર્યા ગયા છે. અમેરિકાએ નાટો દેશોને અપીલ કરી છે કે, તેઓ યુક્રેનને તાત્કાલિક હથિયારો આપે નહીંતર કોઈ શહેર સુરક્ષિત નહીં રહે. સૈનિકોની અછતને પહોંચી વળવા માટે યુક્રેન સેનામાં મહિલાઓની ફરજિયાત ભરતી શરૂ કરી શકે છે. યુક્રેન પ્રશાસન ઈઝરાયેલને ટાંકીને આ મોડલ લાવવા જઈ રહ્યું છે. એપ્રિલના ૧૦ દિવસ પૂરા થયા પછી, યુક્રેનની સ્થિતિ એવી જ છે જે ઝેલેન્સકીએ ઘણા સમય પહેલા આગાહી કરી હતી. જેના વિશે નાટોના મહાસચિવથી લઈને અમેરિકી રાષ્ટ્રપતિ સુધી દરેક વ્યક્તિ ચેતવણી આપી રહ્યા હતા. તે સમયગાળો યુક્રેનમાં આવ્યો છે.

યુક્રેનમાં હથિયારોનો સ્ટોક સમાપ્ત થવાનો છે. થોડા દિવસો પછી હથિયારોના ગોદામો ખાલી થઈ જશે. યુક્રેનિયન સૈનિકો નિઃશસ્ત્ર મોરચા પર આત્મસમર્પણ કરશે. અમેરિકાના ટોચના જનરલો પણ યુક્રેનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. રશિયા પાસે હાલમાં શસ્ત્રોનો વિશાળ ભંડાર છે. યુક્રેનને નાટો દેશો તરફથી કોઈ મદદ મળી રહી નથી. યુક્રેનિયન મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, યુક્રેનમાં લગભગ ૧ મહિનાનો દારૂગોળો બાકી છે. યુક્રેનિયન સૈનિકોને ખૂબ જ ઓછો દારૂગોળો આપવામાં આવી રહ્યો છે. રશિયન હુમલાનો જવાબ ન આપવાની સૂચનાઓ છે. હાજરી દર્શાવવા માટે દિવસમાં એક વખત તોપમારો કરવામાં આવી રહ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ તેને કટોકટી ગણાવી છે અને શક્ય તેટલી વહેલી તકે હવાઈ સંરક્ષણ અને દારૂગોળો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.

નાટોના સેક્રેટરી જનરલે પણ નાટો સભ્યોને ચેતવણી આપી છે. નાટો સેક્રેટરી જનરલના જણાવ્યા અનુસાર, એર ડિફેન્સ ખતમ થયા બાદ રશિયન મિસાઈલ યુક્રેનના ઘણા શહેરોને ખંડેરમાં ફેરવી શકે છે. દારૂગોળાની અછતને કારણે યુક્રેનના ઘણા શહેરો કબજે કરવામાં આવી શકે છે. હથિયારોની અછતને કારણે યુક્રેનની સેનામાં અસંતોષ અને ગુસ્સો વધી રહ્યો છે. સરકાર સામે સૈનિકોનું વિદ્રોહી વલણ છે. એઝોવ બટાલિયન સરકારના આદેશનું પાલન કરી રહી નથી.

(જી.એન.એસ)