Safeer News

Breaking News from Ahmedabad

મારૂ મંતવ્ય

શ્રદ્ધાંજલિ : ઈશ્વર સ્વ. ચિત્રકાર શ્રી વિજયભાઈ શ્રીમાળીના આત્માને શાંતિ અર્પણ કરેે

– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા

શ્રી વિજયભાઈ શ્રીમાળીના ચિત્રોના પ્રિય વિષયોમાં ભારતીય કલા અને સંસ્કૃતિ, પહેરવેશ, લાઈવ પોટ્રેટ, વન્યજીવન અને લેન્ડસ્કેપ રહ્યા હતા.

સન ૨૦૨૪ના ડીસેમ્બર માસની એક ઢળતી સંધ્યાએ અમદાવાદમાં મારા પરમ મિત્ર અને સુવિખ્યાત ચિત્રકાર શ્રી પ્રજ્ઞેશ સચાણીયા મને તેમની સાથે હઠીસિંહ આર્ટ ગેલેરી અને ગુફાની મુલાકાતે લઈ ગયા. ત્યાં ઘણા બધા કલાકારો સાથે મળવાનું થયું. તે સમયે ફેસબુક પર મારી ગાંધી આશ્રમ પરની લેખમાળા ચાલી રહી હતી, તે સંદર્ભે પ્રજ્ઞેશભાઈએ મને એક મિતભાષી વ્યક્તિ સાથે મુલાકાત કરાવી. મળો, એક મળવા જેવા માણસ શ્રી વિજયભાઈ શ્રીમાળી જેમણે ગાંધી આશ્રમના કેટલાક ચિત્રો બનાવ્યા છે અને જુના ચિત્રો રીસ્ટોર કર્યા છે અને બસ તે વ્યક્તિ મારા માનસપટ પર છવાઈ ગઈ.

૧૨ ઓક્ટોબર ૧૯૬૩ના દિવસે કલા અને સાહિત્ય રસિક પરિવારમાં શ્રી વિજયભાઈ શ્રીમાળીનો જન્મ થયો. તેઓ ત્રણ ભાઈ અને છ બહેનોમાં જો કોઈ વિશિષ્ટ સમાનતા હતી તો, તે બધા ભાઈબહેનોએ ચિત્રકલામાં ઈન્ટરમિડીએટની પરીક્ષા પાસ કરી હતી. (તેમના મોટા બહેન સ્વ. ચંદ્રાબહેન માજી ધારાસભ્ય અને સાહિત્યકાર હતા,જ્યારે બીજા મોટાબહેન હંસાબેન રાજપુત પ્રતિષ્ઠિત શિલ્પકાર છે.) ૧૯૮૪માં શેઠ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાંથી સ્નાતક થયા અને અમદાવાદમાં જ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનમાં ૧૪ વર્ષ સુધી વન્યજીવન ચિત્રકાર તરીકે નોકરી દરમ્યાન વ્યાવસાયિક રીતે વૈજ્ઞાનિક લેખોને લગતા ચિત્રો દોર્યા. તે દરમ્યાન તેમની કલા સધના અવિરત ચાલતી જ રહી અને ઉર્વીબેન પરીખ, કનૈયાલાલ યાદવ, નટુ પરીખ, શૈલેષ જોષી, શકરાભાઈ, નાગજી પટેલ જેવા વરિષ્ઠ કલાકારોના માર્ગદર્શન હેઠળ તેમની કલા નિખરી ઉઠી. કોઈ પણ સ્થળે બેસીને લાઈવ સ્કેચ કરવાનું તો તેમને ઘેલું લાગ્યું. તે સાથે વન્યજીવન, માનવ આકૃતિઓ અને વારસાગત સ્થળોના ચિત્રો પેન્સિલ, કોલસો, એક્રેલિક, પેસ્ટલ, વોટરકલર, પેન વગેરે જેવા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને બનાવવાનું ચાલતું જ રહ્યું.

તેમના દ્વારા સન ૧૯૯૯માં સપ્તક માટે બનાવેલા છે વિવિધ સંગીતકારોના ચિત્રો વ્યક્તિત્વને તેમના શારીરિક હાવભાવ દ્વારા પ્રતિબિંબિત થયા છે. સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માનો શાંત સ્વભાવ તેમના ચહેરા પરના શાંત હાવભાવથી સ્પષ્ટ થાય છે.

એક બીજી આવડત – તેઓ નાનપણથી સંગીત પ્રત્યે પણ અભિરુચિ ધરાવતા હતા. તેમણે જુદા જુદા ગુરૂઓ પાસેથી વિવિધ વાદ્યોની બાકાયદા તાલિમ પણ લીધી હતી અને હાર્મોનિયમ, સિતાર, દિલરૂબા, વાંસળી, મેન્ડોલીન અને માઉથઓર્ગન જેવા વાદ્યો સુપેરે વગાડી જાણતા હતા.

તેમના ચિત્રોના પ્રિય વિષયો ભારતીય કલા અને સંસ્કૃતિ, પહેરવેશ, લાઈવ પોટ્રેટ, વન્યજીવન અને લેન્ડસ્કેપ રહ્યા હતા. પ્રવર્તમાન સમયમાં જ્યારે મોટાભાગના કલાકારો અમૂર્ત કલા સ્વરૂપો દ્વારા તેમની ધારણાઓ વ્યક્ત કરે છે, ત્યારે વાસ્તવિકવાદી કલાકાર શ્રીમાળી ખૂબ જ અલગ દૃષ્ટિકોણ ધરાવતા હતા. તે કહેતા, “હું મારા ચિત્રોમાં કેન્દ્રિત અને ખૂબ જ વિગતવાર વિષયોનું નિરૂપણ કરવા માંગુ છું. હું તેમને વાસ્તવિક સમયમાં જે રીતે જોઉં છું તે રીતે પ્રતિબિંબિત કરવા માંગુ છું.”

કલાકાર વિજય શ્રીમાળી તેમની કલા પ્રથામાં એટલા મગ્ન રહ્યા કે, તેઓ તેમની કારકિર્દીના છેલ્લા ૩૪ વર્ષમાં ફક્ત ત્રણ વન મેન શો જ કરી શક્યા. છેલ્લે ૨૨ મેના રોજ અમદાવાદની ગુફા ખાતે તેમના ત્રીજા સોલો શો રિયાઝના ઉદ્ઘાટન સમયે, જેમાં ૪૦ વાસ્તવિક કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી, કલાત્મક પ્રેરણાની શોધમાં આવેલા યુવા વિદ્યાર્થીઓને ટોળાને આકર્ષિત કર્યા હતા.

આજે ભાઈ શ્રી વિજયભાઈ શ્રીમાળીએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. તેમના પર આ આર્ટિકલ લખવા માટે મારા અને તેમના કોમન ફ્રેન્ડઝ અને ચિત્રકાર મિત્રો શ્રી પ્રજ્ઞેશભાઈ, નવનીતભાઈ રાઠોડ અને હરીશભાઈ મકવાણાનો આભારી છું.
ઈશ્વર સ્વ. ચિત્રકાર શ્રી વિજયભાઈ શ્રીમાળીના આત્માને શાંતિ અર્પણ કરેે. જય શ્રી કૃષ્ણ…

– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા
– સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧