(Rizwan Ambaliya) (Jayesh Vora)
અરવિંદભાઈ બારોટના ચાર નવા પુસ્તકો : (૧) વરત વરતોલા, (૨) રીત રિવાજ (૩) ખાતર માથે દીવો અને (૪) ગામ ગોકીરોનો લોકાર્પણ કરવામાં આવ્યું
તા. ૨૭ એપ્રિલ ૨૦૨૫,
રવિવારની સાંજે જાણીતા લોકસાહિત્યકાર, લેખક, કવિ, ગાયક, ગીતકાર, એવા બહુમુખી પ્રતિભા ધરાવતા અરવિંદભાઈ બારોટના ચાર નવા પુસ્તકો : (૧) વરત વરતોલા, (૨) રીત રિવાજ (૩) ખાતર માથે દીવો અને (૪) ગામ ગોકીરોના લોકાર્પણનો પ્રસંગ ઝેડકેડ ગ્રુપ તથા ગુજરાત વિશ્વકોશ ટ્ર્સ્ટના સંયુક્ત ઉપક્રમે, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી યોજાઈ ગયો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, ડૉ. રતિલાલ બોરીસાગર, નારણપુરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ (ભગત) તથા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જે. જાદવ, લોકસાહિત્યકાર અરવિંદ બારોટ અને ઝેડકેડ ગ્રુપના સ્થાપક મનીષ પટેલ મંચસ્થ હતા. આ પ્રસંગે મનીષ શર્મા (અક્ષર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ), ડો. નંદલાલ માનસેતા, ભીખેશ ભટ્ટ, પ્રવીણ ત્રિવેદી, પ્રદીપ દવે, આઈપીએસ શ્રી રાજન સુસ્રા, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા (આઈએએસ), જાણીતા ગુજરાતી ફિલ્મ કલાકારો શ્રી જીતેન્દ્ર ઠક્કર અને શ્રી સુનીલ વિશ્રાણી, ફિલ્મ વિવેચક અને કોલમીસ્ટ અભિલાષ ઘોડા, મોરલી પટેલ, અર્પણ ઈન્ટરનેશનલ થિયેટરના શ્રી મેહુલ પટેલ, બાળઅભિનેતા કરણ પટેલ અને જાણીતા સમાજસેવિકા અને શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટનાં ફાઉન્ડર જીયા શૈલેષ પરમાર સહિત નારણપુરા વિસ્તારના કોર્પોરેટરો, નમ્રતાબેન શોધન, હરીશ શાહ(વડોદરા), લલિત ખંભાયતા, આનંદ દોશી અને અન્ય સાહિત્યપ્રેમી મોવડીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
આપણી સંસ્કૃતિ અને આપણી ભાતીગળ પરંપરાઓનું મહત્વ સમજાવતી વાર્તાઓ, પ્રસંગો અને લેખોને આવરી લેતાં આ પુસ્તકોના વિમોચનનો પ્રસંગ પણ પરંપરાની પ્રતિષ્ઠા જળવાય એવો જ ઉજવાઇ ગયો. પુસ્તકોને નાની કુંવાસી બાળાઓ જીયાંશી પટેલ, તિથિ પટેલ, જૈના પટેલ અને ફેનલ સથવારા દ્વારા શિરે છાબમાં મૂકીને મંચ ઉપર લાવવામાં આવ્યાં. ત્યાર બાદ મંચ પર બેઠેલા તમામ અતિથિઓનું આ બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું અને એ બાદ સૌ અતિથિઓના આગ્રહથી આ પુસ્તકોનું વિમોચન પણ આ બાલિકાઓના હસ્તે જ કરાવડાવ્યું અને છેલ્લે શ્રી અરવિંદભાઈએ આ બાળાઓને પગે લાગીને આશીર્વાદ વાદ લીધાં. ખૂબ ભાવુક દ્રશ્યો જોવા મળ્યાં.
સર્વે મહેમાનો તથા શ્રોતાઓને ઝેડકેડ ગ્રુપ દ્વારા પરંપરાની પ્રતિષ્ઠામાં સૌને પતાસાની પોટલી આપી, મોં મીઠું કરાવ્યું હતું.
આખા એ કાર્યક્રમની રૂપરેખા એન્કર તરીકે મોરલીબેન પટેલે સુંદર રીતે નિભાવી વાહ વાહ મેળવી, પર્યાવરણની જાળવણી માટે સીડ બોલ, ઝેડકેડનું પ્રતિક તથા તેની માહિતી આપવામાં આવી હતી. હરહંમેશની જેમ આ વખતે પણ ઝેડકેડ દ્વારા આ એક નવી પહેલ કરવામાં આવી હતી. ત્યારબાદ જાણીતા ગુજરાતી ફિલ્મ કલાકાર/નિર્માતા શ્રી અર્ચન ત્રિવેદી અને શ્રીમતી જિગીશા ત્રિવેદી દ્વારા અરવિંદભાઈનાં કેટલાંક દેશી ઓઠાંનું વાચિકમ્ પણ યોજાયું. જેમાં અર્ચનદાદાએ પોતાની આગવી રમતિયાળ શૈલીમાં અને જિગીશાબેને રમૂજી શૈલીમાં વાચિકમ્ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં.
આ પ્રસંગ પછી શ્રી અરવિંદભાઈ અને એમના સાજીંદાઓ દ્વારા “ગોકુળીયાં ગાણાં” -કૃષ્ણગીતોનો ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજાયો. જેમાં અરવિંદભાઈએ પોતાના સુરીલા કંઠે હાજર મહેમાનોને કૃષ્ણમય કરી દીધાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મોરલીબેન પટેલ તથા સમગ્ર આયોજન શ્રી મનીષ પટેલ અને કૃપલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ઝેડકેડ ગ્રુપના આમંત્રણને માન આપીને નામી-અનામી ભાવકો આ પરંપરાની પ્રતિષ્ઠામાં જોડાયા હતા.
કાર્યક્રમ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન 🌹