અશોકકુમાર હંસદેવજી સાગઠિયા…
સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧
દેશમાં ફાયર અને સેફટી, ફર્સ્ટ એઈડ, મ્યુચ્યુઅલ એઈડ અને નાગરિક સંરક્ષણ પ્રવૃત્તિઓ અંગે જાગૃતિ વધતી જતી હતી.
બધી તૈયારીઓમાં એક આંખે ઉડીને વળગે તેવી વાત એ હતી કે, તેમાં ક્યાંય હિન્દુ-મુસ્લિમ જેવો કોમવાદી દ્રષ્ટિકોણ નહોતો…
સન ૧૯૭૧માં શ્રી અરવિંદ જ્ઞાન કેન્દ્ર (વિદ્યાકુંજ)માં હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. દિવાળી વેકેશન પછી અમારી શાળાઓ ખુલી અને અમે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી પ્લેન હાઇજેક, ક્રોસ બોર્ડર વાયોલન્સ, રેડીયો સિગ્નલ્સ સાથે ચેડા કરવા જેવી નાપાક હરકતો રોજની થઈ પડી હતી, તો બાંગ્લાદેશના શરણાર્થીઓના ધાડેધાડા રોજ આપણાં દેશમાં આવી રહ્યા હતા. દેશભક્તિના વાતાવરણમાં એક જબરદસ્ત રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો હતો
અને અમે બાળકો પણ તેમાંથી બાકાત નહોતા. દેશભક્તિના ગીતો ગાવા અને સાંભળવા, રફ નોટબુકના પાનેપાના ટેન્ક, તોપ, ફાઈટર જેટ અને વોરશીપના ચિત્રોથી ભરી દેતા હતા. ટેન્કના ચિત્ર નીચે વિજયન્ત, ફાઈટર જેટના ચિત્ર નીચે નેટ તેમજ વોરશીપના ચિત્ર નીચે વિક્રાંત લખવાનું ચુકતા નહોતા.
પણ તે વિષે ઘણુંબધું અમે જાણતા પણ હતા, જે અપેક્ષા આજના શાળાના વિદ્યાર્થીઓ પાસેથી રાખી શકાય તેમ નથી. ભારતીય વાયુદળના હુકમના એક્કા જેવા નેટ, મીરાજ, મીગ, જેગુઆર, હન્ટર, ફાઈટર્સ, કેનબેરા બોમ્બર્સ, પુષ્પક ઓબ્ઝર્વેટરી પ્લેન, હર્ક્યુલીસ ટ્રાન્સપોર્ટર્સ અને જુનું તે સોનું જેવા બે પૂંછડીઓવાળા વેમ્પાયર મલ્ટીરોલ ફાઈટર પ્લેન, નેવીના સી હોક અને એલીસ ફાઈટર જેટ કેમજ સૈનિકોની હેરફેર માટેના એવરો અને ડાકોટા વિમાનોને આજના બાળકને જુદી જુદી બ્રાન્ડના મોડેલ મોઢે હોય તેમ અમને મોઢે હતા. તો નેવીના એરક્રાફ્ટ કેરીયર વિક્રાંત માટે અદકેરું માન હતું અને ભૂમિદળનો સૈનિક અમારા માટે ખરો સુપરમેન હતો. વિજયન્ત ટેન્ક અમારી ડ્રીમકાર હતી.
બન્ને દેશો વચ્ચે તણાવ વધવા લાગ્યો હતો. દેશમાં ફાયર અને સેફટી, ફર્સ્ટ એઈડ, મ્યુચ્યુઅલ એઈડ અને નાગરિક સંરક્ષણ પ્રવૃત્તિઓ અંગે જાગૃતિ વધતી જતી હતી. તે સમયના પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની લશ્કરી દળોના અત્યાચારોની અખબારોમાં છપાતી વાતો અને માહિતી ખાતાની ડોક્યુમેન્ટરી ફિલ્મોની લોકો પર જબરદસ્ત અસર પડતી હતી.
સામાન્ય લોકોએ પણ પરિસ્થિતિની ગંભીરતા સમજી ઘરોમાં બારીઓ પર ઘેરા પડદા લગાવ્યા, બારીઓના કાચ પર કાગળ ચીપકાવ્યા કે, કાળા રંગે રંગી દીધા. તે સમયે ગણીગાંઠી મોટરકારો, મોટરસાયકલો અને બસો તેમજ ખટારાઓની હેડ લાઈટસ ઉપરના ભાગથી શરૂ કરીને અડધી કાળી કરી નાખવામાં આવી, ઘરોમાં વધારાના રાશન, મીણબત્તી, કેરોસીન અને અન્ય રોજીંદી જીવન જરૂરીયાતની વસ્તુઓનો સંગ્રહ કરી લેવામાં આવ્યો. તો ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ પાછળ ન રહી. મહોલ્લાઓમાં સમિતિઓ બની ગઈ. મંદિરોના સદાવ્રતોએ સરકારને વધુમાં વધુ શક્ય તેટલી સહાયની ખાત્રી આપી.
બધી તૈયારીઓમાં એક આંખે ઉડીને વળગે તેવી વાત એ હતી કે, તેમાં ક્યાંય હિન્દુ-મુસ્લિમ જેવો કોમવાદી દ્રષ્ટિકોણ નહોતો અને આ બધી તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી કે, પાકિસ્તાનના હવાઈદળે હવાઈ સીમાઓનો ભંગ કર્યો અને સામે ચાલીને તક આપી. પછી જે થયું તે ઈતિહાસ સર્વવિદિત છે.
સમગ્ર લેખનું તાત્પર્ય એ છે કે, આપણી સરકાર અને સૈન્ય યુદ્ધના તમામ મોરચે તૈયાર છે, પણ આપણા દેશના નાગરિકો જેવા ૧૯૭૧ના યુદ્ધ માટે તૈયાર હતાં તેવા આપણે આજે તૈયાર છીએ..?
આપ સહુનો દિન શુભ રહે…
અશોકકુમાર હંસદેવજી સાગઠિયા…
સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧