(અબરાર એહમદ અલવી)
હઝરત અબ્દુસ્સમદ ખુદાનુમા (રેહમતુલ્લાહ અલૈહ)ની દરગાહ પર જે કંઈ સમસ્યા હોય તેમાંથી છુટકારો મેળવવા અકીદતમંદો “મુન્ગની ખીચડી”ની મન્નત (બાધા) રાખે છે.
અમદાવાદ શહેરના લાલ દરવાઝા તાર ઓફીસ પાસે આપનો મઝાર શરીફ આવેલો છે. 5 જમાદીયુલ અવ્વલ હિ.સ 1109 મુતાબીક ઈ.સ 1697માં હઝરત અબ્દુસ્સમદ ખુદાનુમા (રેહમતુલ્લાહ અલૈહ)એ વિસાલ ફરમાવ્યો. હઝરત મીર અબ્દુસ્સમદ ખુદનુમા કાદરી (રેહમતુલ્લાહ અલૈહ) હઝરત ખ્વાજા શાહ હિદાયતુલ્લા્હ (રેહમતુલ્લાહ અલૈહ)ના મુરીદ અને ખલીફા છે. હઝરત અબ્દુસ્સમદ ખુદાનુમા (રેહમતુલ્લાહ અલૈહ)ના ખલીફા હઝરત સૈયદ અબ્દુર રઝાક કાદરી બંસવી (રેહમતુલ્લાહ અલૈહ) છે.
આપનું મુબારક નામ અબ્દુસ્સમદ છે. આપ કાદરી સિલસિલાના જબરદસ્ત બુઝુર્ગ છે. અફસોસ કે, આપના હાલાતો (જાહેરી જિવન) ઉપર ઘણી તેહકીક અને તફતીશ પછી પણ વધારે કશું મળી શક્યું નથી. હઝરત અબ્દુસ્સમદ ખુદાનુમા (રેહમતુલ્લાહ અલૈહ)ના ખિતાબ ખુદાનુમાથી જાહેર થાય છે કે, આપ જબરદસ્ત જલીલુલકદ્ર રૂત્બાના માલીક હતાં.
જ્યારે પણ કોઈ શખ્સ હઝરત અબ્દુસ્સમદ ખુદાનુમા (રેહમતુલ્લાહ અલૈહ)ની પાસે બૈત (મુરીદ) થવા માટે આપની ખિદમતમાં આવતો તો આપ ઇબાદત અને રિયાઝત મા્ટે ફરમાવતા અને જ્યારે મુરીદ બનાવતા ત્યારે તેજ રાત્રે તે મુરીદને સીધો જ ખુદાનો દિદાર કરાવી દેતા હતા. આજ કારણે આપને ‘ખુદાનુમા’ કેહવામાં આવે છે.
અકીદતમંદો હઝરત અબ્દુસ્સમદ ખુદાનુમા (રેહમતુલ્લાહ અલૈહ)ની દરગાહ પર જે કંઈ સમસ્યા હોય તેમાંથી છુટકારો મેળવવા “મુન્ગની ખીચડી”ની મન્નત (બાધા) રાખે છે અને બાધા પૂરી થતા પોતાની હેસિયત પ્રમાણે ગુરુવારના રોજ સાંજે “મુન્ગની ખીચડી” લઈને આવે છે. “મુન્ગની ખીચડી” પર ફાતેહાખ્વાની કરીને ગરીબો અને ફકીરોને ખવડાવે છે.
આજે પણ કાદરી સિલસિલાનો આ ફૈઝ જારી છે અને અકીદતમંદો આપનો ફૈઝ હાસલ કરી રહ્યા છે. સવાર સાંજ અકીદતમંદ લોકો આપના મજાર શરીફ પર આવે છે અને તેમની સમસ્યાઓનો ઉકેલ મેળવી રહ્યાં છે.