Safeer News

Breaking News from Ahmedabad

દેશ

તાલિબાની સજા : એક મહિલા જ્યારે તેના માતા-પિતાના ઘર માટે સાસરેથી નીકળી ત્યારે પંચાયતે તેને તાલિબાની સજા આપી

વૈશાલી-બિહાર,તા.૦૨

સ્થાનિક વોર્ડ કાઉન્સિલરના પતિએ પીડિતાના પતિ સાથે મળીને પહેલા મહિલાના હાથ-પગ બાંધ્યા અને પછી કાતરથી તેના માથાના વાળ કાપી નાખ્યા.

બિહારના વૈશાલી જિલ્લામાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. મહનાર પોલીસ સ્ટેશન વિસ્તારના દેશરાજપુર ગામમાં પારિવારિક ઝઘડાથી કંટાળીને એક મહિલાએ તેના સાસરિયાનું ઘર છોડીને માવતરે જવા નીકળી ત્યારે આ કારણસર પંચાયતે મહિલાને તાલિબાની સજા સંભળાવી. સ્થાનિક વોર્ડ કાઉન્સિલરના પતિએ પીડિતાના પતિ સાથે મળીને પહેલા મહિલાના હાથ-પગ બાંધ્યા અને પછી કાતરથી તેના માથાના વાળ કાપી નાખ્યા. જ્યારે મહિલાએ આ ઘટનાનો વિરોધ કર્યો તો તેને માર પણ મારવામાં આવ્યો.

મહિલાએ હંગામો મચાવ્યો ત્યારે વોર્ડ કાઉન્સિલરના પતિ દ્વારા મોડી રાત્રે પંચાયત યોજાઈ હતી. બીજી તરફ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લોકો અહીં-તહીં દોડવા લાગ્યા હતા. પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી હતી. ઘટના અંગે મહિલાના પતિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહિલાના પતિનું નામ રામ દયાલ રામ હોવાનું સામે આવ્યું છે.

ઘટના અંગે પીડિત મહિલાનું કહેવું છે કે, ઘરમાં પારિવારિક ઝઘડા ચાલતા હતા. જેના કારણે તેણીએ ઘર છોડી દીધું હતું. તેના પરિવારના સભ્યો તેને ઘરે લાવ્યા અને સમાધાન દરમિયાન વોર્ડ કાઉન્સિલરના પતિ દીપક કુમારે તાલિબાન આદેશ જારી કર્યો, તેના હાથ-પગ બાંધી દીધા અને વાળ કપાવી દીધા. પીડિત મહિલાએ તેના પતિ પર તેના પર હુમલો કરવાનો અને તેના વાળ કપાવવામાં મદદ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

ઘટના સમયે ગ્રામજનોનું મોટું ટોળું ત્યાં એકત્ર થઈ ગયું હતું. કહેવાય છે કે, મહિલાના લગ્ન ૧૪ વર્ષ પહેલા રામ દયાલ રામ સાથે થયા હતા. તે ચાર બાળકોની માતા પણ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને પીડિતાના પતિને કસ્ટડીમાં લીધો. મહિલા અને તેના પતિની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

(જી.એન.એસ)